લંડનઃ લેબર પાર્ટીના ઈસ્ટ લંડનની પોપ્લાર એન્ડ લાઈમહાઉસ બેઠકના ૩૧ વર્ષીય સાંસદ અપસાના બેગમને હાઉસિંગ કૌભાંડમાં કાઉન્ટી સાથે ૬૪,૦૦૦ પાઉન્ડની છેતરપિંડી કર્યાના મામલે સ્નેર્સબ્રૂક ક્રાઉન કોર્ટે નિર્દોષ ઠરાવ્યા છે. જ્યૂરીએ બહુમતથી બ્ગમની તરફેમ કરી હતી. તેમના વિરુદ્ધ ટાવર હેમ્લેટ કાઉન્સિલ સમક્ષ કાઉન્સિલના મકાનો માટે અપ્રામાણિક માગણી કર્યાનો આરોપ હતો. સાંસદે કોઈ છેતરપિંડી કર્યાનો ઈનકાર કર્યો હતો.
સાંસદ અપસાના બેગમે કોર્ટને જણાવ્યું હતું કે તેમના ફાઈનાન્સીસ પર પતિનું નિયંત્રણ હતું અને દસ્તાવેજોમાં પોતાનું નામ જોઈને તેમને ભારે આઘાત લાગ્યો હતો. કોર્ટનો ચુકાદો આવ્યા પછી બેગમ અફસાના કોર્ટમાં ફસડાઈ જઈ રોઈ પડ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે આ ટ્રાયલથી તેમને માનસિક ત્રાસ ઉપરાંત, તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.
સાંસદ અપસાના બેગમે કાઉન્સિલનો ફ્લેટ હાંસલ કરવા પારિવારિક ઘરમાં ભારે ભીડની હાલત હોવાનું દર્શાવી ૨૨ જુલાઈ ૨૦૧૧માં સોશિયલ હાઉસિંગ રજિસ્ટરમાં નોંધણી કરાવી હતી. તેઓ ૨૦૧૬ સુધી તેની યાદીમાં હતાં. બેગમ ૨૦૧૩માં તેમનું પોપ્લાર ખાતેનું પારિવારિક ઘર છોડી ભાવિ પતિ એથાશામુલ હક સાથે રહેવાં ગયાં હતાં. પાર્ટનર સાથે રહેવાં ગયાં પછી તેમણે સોશિયલ હાઉસિંગ પ્રોપર્ટી મેળવવા કોઈ દાવો કર્યાનું નકાર્યું હતું. તેમની જાણ બહાર આવું કોઈએ કર્યું હોવાનું બેગમે જણાવ્યું હતું. પાર્ટનર હકથી અલગ થયાં પછી ૨૦૧૬માં તેમણે કાઉન્સિલ પાસેથી સ્ટુડિયો ફ્લેટની ટેનન્સી મેળવી હતી.
કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે કે બેગમે હાઉસિંગ એડવાઈઝર તરીકે કામ કર્યું છે અને સોશિયલ સિસ્ટમ કેવી રીતે કામગીરી બજાવે છે તેની સારી સમજ ધરાવે છે. ઈસ્ટ લંડનના બેગમ અપસાના ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં પોપ્લાર એન્ડ લાઈમહાઉસ બેઠક પરથી ૨૮,૯૦૪ મતથી વિજયી થયાં હતાં.