લંડનઃ લેસ્ટર પૂર્વના સસ્પેન્ડ કરાયેલા લેબર સાંસદ ક્લાઉડિયા વેબ પોતાના બોયફ્રેન્ડની મહિલા મિત્રને ધમકી આપવાના કેસમાં દોષિત સાબિત થયા છે. વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટના ચુકાદા બાદ લેબર પાર્ટીએ ક્લાઉડિયા વેબના રાજીનામાની માગણી કરી છે. લેબર પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું અમારી પાર્ટી ક્લાઉડિયાના કૃત્યની કડક શબ્દોમાં નિંદા કરે છે અને તેમણે સાંસદ પદેથી રાજીનામું આપવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે સાંસદ ક્લાઉડિયા વેબે મિશેલ મેરીટને ધમકીભર્યા કોલ્સ કર્યા હતા. કોર્ટે સાંભળ્યું કે વેબએ મેરીટને સ્લેગ કહીને તેના પર એસિડ છાંટવાની ધમકી આપી હતી અને તેની પુત્રીઓને નગ્ન ફોટા અને વિડિઓ મોકલવાનું કહ્યું હતું. ફરિયાદી દ્વારા રેકોર્ડ કરાયેલા અન્ય કોલમાં વેબએ આશરે મેરીટને ૧૧ વખત મારા સંબંધમાંથી બહાર નીકળવાનું કહ્યું હતું.
કોર્ટમાં ટ્રાયલ દરમિયાન નોર્થ લંડનના ઈઝલિંગ્ટનના ક્લાઉડિયા વેબે પોતાના પર લાગેલા સતામણીના આક્ષેપને ફગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તેમણે મેરીટને થોમસને મળીને કોરોના વાઈરસના નિયમોનો ભંગ ન કરવા ચેતવણી આપવા માટે માત્ર ‘સૌજન્ય કોલ્સ’ કર્યા હતા. વેબએ કોર્ટમાં કહ્યું હતું કે, ‘આપણે રાષ્ટ્રીય લોકડાઉનમાં હતા અને તેથી મેં તેને નિયમો ન તોડવાનું કહ્યું હતું.’
કોર્ટના ચુકાદા બાદ વેબે કહ્યું કે ટ્રાયલના પરિણામથી તે ખૂબ જ દુઃખી છે. હું નિર્દોષ છું અને આ ચુકાદા સામે અપીલ કરીશ. મેં ક્યારેય હિંસાની ધમકી આપી નથી અને મેં ક્યારેય કોઈને પરેશાન કર્યાં નથી.’જો ડિસેમ્બર ૨૦૧૯માં ચૂંટાયેલા લેસ્ટર ઈસ્ટના સાંસદની અપીલ ફગાવી દેવાશે તો કોલ્સ કરાયેલી ધમકીઓની તીવ્રતાને ધ્યાનમાં લેતા તેમને જેલની સજા પણ થઈ શકે છે.