લેબર સાંસદે ફ્લેટ મેળવવા કાઉન્સિલ સાથે છેતરપિંડી આચર્યાનો આરોપ

Wednesday 28th July 2021 07:33 EDT
 
 

લંડનઃ લેબર પાર્ટીના ઈસ્ટ લંડનની પોપ્લાર એન્ડ લાઈમહાઉસ બેઠકના ૩૧ વર્ષીય સાંસદ અપસાના બેગમે હાઉસિંગ કૌભાંડમાં કાઉન્ટી સાથે ૬૪,૦૦૦ પાઉન્ડની છેતરપિંડી કરી હોવાનો મામલો સ્નેર્સબ્રૂક ક્રાઉન કોર્ટ સમક્ષ ચાલી રહ્યો છે. સાંસદે કોઈ છેતરપિંડી કર્યાનો ઈનકાર કર્યો હતો.

સાંસદ અપસાના બેગમે કાઉન્સિલનો ફ્લેટ હાંસલ કરવા ઈરાદાપૂર્વક કેટલીક મહત્ત્વપૂર્ણ વિગતો છુપાવ્યાનો આરોપ છે.તેમણે ૨૦૧૧માં સોશિયલ હાઉસિંગ રજિસ્ટરમાં નોંધણી કરાવવા પારિવારિક ઘરમાં ભારે ભીડની હાલત હોવાનું દર્શાવી અરજી કરી હતી અને ૨૦૧૬ સુધી તેની યાદીમાં હતાં. જોકે, સોશિયલ હાઉસિંગની ફાળવણી કરતી લંડન બરો ઓફ ટાવર હેમલેટ્સ હાઉસિંગ ઓપ્શન્સને તેમના સંજોગો બદલાયા હોવાની માહિતી આપવામાં ત્રણ વખત નિષ્ફળ રહ્યાં હતાં. બેગમ ૨૦૧૩માં તેમનું પોપ્લાર ખાતેનું પારિવારિક ઘર છોડી ભાવિ પતિ એથાશામુલ હક સાથે રહેવાં ગયાં હતાં. પાર્ટનર સાથે રહેવાં ગયાં પછી તેમણે સોશિયલ હાઉસિંગ પ્રોપર્ટી મેળવવા કોઈ દાવો કર્યાનું નકાર્યું હતું. તેમની જાણ બહાર આવું કોઈએ કર્યું હોવાનું બેગમે જણાવ્યું હતું. પાર્ટનર હકથી અલગ થયાં પછી ૨૦૧૬માં તેમણે કાઉન્સિલ પાસેથી સ્ટુડિયો ફ્લેટની ટેનન્સી મેળવી હતી.

કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે કે બેગમે હાઉસિંગ એડવાઈઝર તરીકે કામ કર્યું છે અને સોશિયલ સિસ્ટમ કેવી રીતે કામગીરી બજાવે છે તેની સારી સમજ ધરાવે છે. ઈસ્ટ લંડનના બેગમ અપસાના ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં પોપ્લાર એન્ડ લાઈમહાઉસ બેઠક પરથી ૨૮,૯૦૪ મતથી વિજયી થયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter