લંડનઃ Ipsos Moriના તાજા સર્વે મુજબ ટેક્સીસ, નિર્વાહખર્ચ ઘટાડવા, દેશમાં સમાન વિકાસ અને NHS ની સુધારણા સહિતના મુદ્દાઓ બાબતે લોકોને કન્ઝર્વેટિવ પાર્ટી કરતાં લેબર પાર્ટી વધુ વિશ્વસનીય જણાય છે. ટેક્સેશન બાબતે ૩૭ ટકા લોકોને લેબર પાર્ટી પર જ્યારે ૨૭ ટકા લોકોને ટોરી પાર્ટી પર વિશ્વાસ છે. જોકે, બ્રિટનના અર્થતંત્રની વૃદ્ધિ માટે ટોરી પાર્ટી વધુ વિશ્વસનીય ગણાય છે. સર્વેમાં મહામારીનો સામનો કરવામાં ટોરી પાર્ટીએ સરસાઈ જાળવી રાખી છે.
ઈવનિંગ સ્ટાન્ડર્ડ અખબાર માટે કરાયેલા Ipsos Moriના સર્વેમાં લેબર પાર્ટીએ ટેક્સેશન સહિત અનેક મુદ્દાઓ પરત્વે કન્ઝર્વેટિવ પાર્ટી સામે ૧૦ ટકાની સરસાઈ હાંસલ કરી છે. ટેક્સેસન મુદ્દે ૩૭ ટકાએ લેબર પાર્ટીને જ્યારે ૨૭ ટકાએ ટોરી પાર્ટીની તરફેણ કરી છે.. જોકે, મહામારીનો પડકાર ઝીલી લેવા બાબતે ટોરીઝને ૩૩ ટકા સામે લેબરને ૨૯ ટકા હાંસલ થયા છે. બ્રિટિશ અર્થતંત્રની વૃદ્ધ ટોરી પાર્ટી કરી શકશે તેવો વિશ્વાસ રાખનારા લોકોની સંખ્યા ૩૭ ટકા છે તેની સામે ૩૧ ટકાએ લેબર પાર્ટીમાં વિશ્વાસ દર્શાવ્યો છે.
કોસ્ટ ઓફ લિવિંગ ઘટાડવામાં લેબર પાર્ટીને ૩૮ જ્યારે ટોરી પાર્ટીને ૩૧ ટકા મત મળ્યા છે. દેશના એકસમાન વિકાસમાં લેબર અને ટોરીને અનુક્રમે ૪૪ અને ૧૪ ટકા જ્યારે, NHSની સુધારણા બાબતે અનુક્રમે ૪૫ અને ૧૮ ટકા મત મળ્યા છે.