લંડનઃ ભારતવિરોધી અભિયાનો અને કાશ્મીરી અલગતાવાદના પોસ્ટર બોય લોર્ડ નઝીર અહેમદ ઓફ રોધરહામને શેફિલ્ડ ક્રાઉન કોર્ટે ૧૧ વર્ષના સગીર બાળક પર જાતીય હુમલા અને અને સગીર બાળા પર બળાત્કારના પ્રયાસના ગુનામાં દોષિત જાહેર કર્યા છે. તેમને ચોથી ફેબ્રુઆરીએ સજા ફરમાવાશે. ૬૪ વર્ષના લોર્ડ નઝીર હાઉસ ઓફ લોર્ડ્સમાં નિયુક્ત થનારા પ્રથમ મુસ્લિમ હતા. તેમણે હાઉસ ઓફ લોર્ડ્સમાંથી રાજીનામું આપવું પડ્યું હતું.
લોર્ડ નઝીર અહમદને શેફિલ્ડ ક્રાઉન કોર્ટે બુધવાર, ૫ જાન્યુઆરીએ જાતીય હુમલાની બે ઘટનાઓમાં દોષિત જાહેર કર્યા હતા. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં જન્મેલા નઝીર અહેમદ વિરુદ્ધ જાતીય હુમલાની ઘટનાઓ ૧૯૭૦ના દાયકાની છે જ્યારે તેમની વય આશરે ૧૭ વર્ષની હતી. જોકે, તેમના હુમલાનો શિકાર બનેલા પીડિતો ઘણા નાના હતા. નઝીરે શરૂઆતમાં ગુનાઓનો ઈનકાર કર્યો હતો પરંતુ, પીડિત બાળા અને નઝીર વચ્ચેની ઓડિયો વાતચીત બહાર આવતા બચાવપક્ષ નિરાશ થયો હતો. સગીર બાળક સાથે અશ્લીલ વર્તના કેસના નઝીરના બે મોટા ભાઈ મોહમ્મદ ફારુક (૭૧) અને મોહમ્મદ તારિક (૬૫) પણ સહઆરોપી હતા પરંતુ, તેમને ટ્રાયલનો સામનો કરવા માટે અનફિટ ગણવામાં આવ્યા હતા.
બીબીસી ન્યૂઝનાઈટની તપાસના પગલે રચાયેલી હાઉસ ઓફ લોર્ડ્સની કન્ડક્ટ કમિટીએ લોર્ડ નઝીરે તેમની મદદ માગવા આવેલી પીડિત મહિલાનો જાતીય અને લાગણીકીય ગેરલાભ ઉઠાવ્યો હોવાનું જણાવી તેમની હકાલપટ્ટીની ભલામણ કરી હતી. જોકે, નઝીર અહેમદે તેનો અમલ કરાય તે પહેલા જ નવેમ્બર ૨૦૨૦માં રાજીનામું આપી દીધું હતું.
નઝીર અહેમદ કાશ્મીર મુદ્દે ભારત અને યહુદીવાદ વિરુદ્ધ ઝેર ઓકવામાં અગ્રેસર રહ્યા હતા. તેઓ અલગતાવાદી કાશ્મીરી અને ખાલિસ્તાની જૂથોના સમર્થક છે. તેઓ ૨૦૧૮માં લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેરમાં વિવાદાસ્પદ રેફરન્ડમ ૨૦૨૦ ખાલિસ્તાની ઈવેન્ટમાં ચાવીરુપ વક્તાઓમાં એક હતા. તેમણે પાકિસ્તાનની એક ટેલિવિઝન ચેનલને યહુદીવાદ વિરોધી ઈન્ટરવ્યૂ આપ્યો હતો જેના પરિણામે લેબર પાર્ટીમાંથી રાજીનામું આપવું પડ્યું હતું.