લંડનઃ કન્ઝર્વેટિવ સાંસદ અને પૂર્વ મિનિસ્ટર કેરોલિન નોક્સે વડાપ્રધાન બોરિસ જ્હોન્સનના પિતા સ્ટેન્લી જ્હોન્સને ૨૦૦૩માં છેડતી કરી હોવાનો આક્ષેપ લગાવતા ભારે ચકચાર ફેલાઈ છે. કેરોલિન નોક્સ ૨૦૧૦થી રોમ્સી એન્ડ સાઉધમ્પ્ટન નોર્થ મતક્ષેત્રનાં સાંસદ છે. નોક્સ ઉપરાંત એક મહિલા પત્રકારે પણ સ્ટેનલી સામે છેડતીનો આક્ષેપ લગાવ્યો હતો. સ્ટેન્લી જ્હોન્સને પોતાને આવું કશું યાદ નહિ હોવાનું જણાવી આક્ષેપો ફગાવી દીધા હતા.
સ્કાય ન્યૂઝ ટીવી ચેનલ પર મહિલાઓ અને છોકરીઓ સામે હિંસા વિશેની પેનલ ચર્ચામાં પાર્લામેન્ટની વિમેન એન્ડ ઇક્વિલિટીસ સિલેક્ટ કમિટીની ચેર કેરોલિન નોક્સે જણાવ્યું હતું કે સ્ટેન્લી જ્હોન્સને બ્લેકપુલમાં ૨૦૦૩ની ટોરી પાર્ટીની વાર્ષિક પરિષદમાં તેમનાં નિતંબ પર જોરથી ટપલી મારી અણછાજતો સ્પર્શ કર્યો હતો. હાલ ૮૧ વર્ષના જ્હોન્સન સીનિયર એ સમયે ટેઇનબ્રિજ ડેવોનના કન્ઝર્વેટિવ ઉમેદવાર હતા પરંતુ, ચૂંટાઇ શક્યા નહોતાં. એ સમયે નોક્સ ૩૦ વર્ષનાં હતાં. સ્ટેનલી યુરોપિયન પાર્લામેન્ટના પૂર્વ મેમ્બર (MEP) છે.
નોક્સના ગંભીર આક્ષેપો પછી ન્યૂ સ્ટેટ્સમેનની સીનિયર પોલિટિકલ જર્નાલિસ્ટ એલીભે રીઆએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ જ પ્રમાણેની ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે ૨૦૧૯માં કન્ઝર્વેટિવ પાર્ટીની એક કોન્ફરન્સ દરમિયાન સ્ટેનલીએ તેમની સાથે આ જ પ્રમાણે ગેરવર્તૂણક કરી હતી.
દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટે સ્ટેનલી જ્હોન્સનને ખાનગી વ્યક્તિ ગણાવી તેમના વિશે કોઈ ટીપ્પણ કરવાનો ઈનકાર કર્યો હતો.