લંડન
રિશી સુનાકને વડાપ્રધાનપદ સંભાળ્યાને એક મહિનો થયો છે. એક સરવે પ્રમાણે બ્રિટિશ મતદારોમાં રિશી સુનાક તેમની કન્ઝર્વેટિવ પાર્ટી કરતાં વધુ લોકપ્રિયતા ધરાવે છે. જે તેમનું એક મજબૂત પાસુ છે. નવેમ્બર ઇપ્સોસ પોલિટિકલ મોનિટરના એક સરવે અનુસાર રિશી સુનાકે જે રીતે દેશનું સુકાન સંભાળ્યું છે તેના કારણે તેઓ બ્રિટિશ નાગરિકોમાં લોકપ્રિય બની રહ્યાં છે. સારા વડાપ્રધાનની લાયકાતમાં રિશી સુનાકે વિપક્ષ લેબર પાર્ટીના નેતા કીર સ્ટાર્મેરને પણ પાછળ છોડી દીધાં છે.
જોકે સરવેમાં સત્તાધારી ટોરીઝ માટે માઠા સમાચાર પણ છે. ભલે તેમના વડાપ્રધાન નાગરિકોમાં લોકપ્રિય બની રહ્યાં હોય પરંતુ પાર્ટીની લોકપ્રિયતા જૂન 2022 પછી સૌથી તળિયાના સ્થાને પહોંચી ગઇ છે. સરવેમાં ભાગ લેનારા 47 ટકા લોકોએ જણાવ્યું હતું કે, તેમને રિશી સુનાક પસંદ છે જ્યારે 41 ટકા લોકોએ સુનાક પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તેનો અર્થ એ થયો કે રિશી સુનાકની લોકપ્રિયતા બોરિસ જ્હોન્સન કરતાં પણ વધુ છે.
તેની સામે 26 ટકા લોકોએ જ કન્ઝર્વેટિવ પાર્ટીની તરફેણ કરી હતી. જૂન 2007માં ટોરીઝની લોકપ્રિયતા 29 ટકા હતી. ત્યારપછી પહેલીવાર ટોરી પાર્ટીની લોકપ્રિયતા આટલી નીચી સપાટી પર પહોંચી છે. 62 ટકા લોકોએ કન્ઝર્વેટિવ પાર્ટી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.
42 ટકા લોકો માને છે કે રિશી સુનાક સારા વડાપ્રધાન પૂરવાર થઇ રહ્યા છે. 35 ટકા લોકો લેબર પાર્ટીના નેતા કીર સ્ટાર્મેરને વડાપ્રધાન પદે જોવા ઇચ્છે છે.