લંડનઃ Ipsos MORI દ્વારા દેશના શ્રેષ્ઠ વડા પ્રધાન કોણ બની શકે તેના મતદાનમાં ટોરી નેતા બોરિસ જ્હોન્સન અને લેબરનેતા સર કેર સ્ટાર્મરને પ્રથમ વખત સરખા ૩૮ ટકા મત પ્રાપ્ત થયા છે. ગોર્ડન બ્રાઉન વડા પ્રધાન હતા તે પછી પહેલી વખત લેબર નેતા ટોરી નેતાની સમકક્ષ બન્યા છે.
દેશના ૩૮ ટકા પુખ્ત મતદારોએ Ipsos MORIના નવા પોલમાં જ્હોન્સન અને સ્ટાર્મરને એકસરખા કાર્યક્ષમ વડા પ્રધાન તરીકે સમર્થન આપ્યું છે. ૧૩ વર્ષમાં પહેલી વખત લેબરનેતા આ મહત્ત્વપૂર્ણ રેટિંગમાં પાછળ રહ્યા નથી. અગાઉ જાન્યુઆરી ૨૦૦૮માં ગોર્ડન બ્રાઉન વડા પ્રધાન હતા ત્યારે તેમને ૩૭ ટકા અને ટોરીનેતા ડેવિડ કેમરનને ૩૩ ટકા મત મળ્યા હતા.
સમગ્ર યુકેમાં યોજાએલા પોલ મુજબ વેસ્ટમિન્સ્ટર માટે વોટિંગના ઈરાદાઓમાં ઓગસ્ટની સરખામણીએ લેબર પાર્ટી છ પોઈન્ટના વધારા સાથે ૩૬ ટકાએ પહોંચી હતી જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીને બે પોઈન્ટના ઘટાડા સાથે ૩૯ ટકા મત મળ્યા હતા. જોકે, માત્ર ૨૫ ટકા મતદારોએ આગામી સરકાર લેબર પાર્ટીની હોવાનો મત દર્શાવ્યો હતો. બીજી તરફ, ૩૨ ટકાએ કન્ઝર્વેટિવ પાર્ટીને બીજી વખત તક આપવી જોઈએ તેમ કહ્યું હતું.
લેબર સમર્થકોમાં સ્ટાર્મર પ્રત્યે સંતોષનું પ્રમાણ ૪૦ ટકા હતું તેની સામે જ્હોન્સનના ટોરી સમર્થકોમાં ૭૬ ટકા સંતોષ હતો. લગભગ અડધોઅડધ પુખ્ત મતદારોએ લેબરનેતા સ્ટાર્મર પ્રત્યે અસંતોષ દર્શાવ્યો હતો. જોકે, પૂર્વ લેબર નેતા જેરેમી કોર્બીન માટે ફેબ્રુઆરી ૨૦૧૭માં અસંતોશનું પ્રમાણ ૬૨ ટકા રહ્યું હતું. સમગ્રતયા વડા પ્રધાન પ્રત્યે સંતોષનું પ્રમાણ ૩૯ ટકા હતું તેનું સામે સ્ટાર્મરનું રેટિંગ ૨૫ ટકા રહ્યું હતું. સરકાર માટે સંતોષનું રેટિંગ ચાર પોઈન્ટ ઘટીને ૩૫ ટકા રહ્યું હતું.
બ્રિટનમાં પેટ્રોલ કટોકટી સર્જાઈ છે, સેંકડો પેટ્રોલ સ્ટેશનો ખાલી થઈ ગયાં છે અને લોકોએ ગભરાટપૂર્ણ ખરીદી આરંભી છે ત્યારે તેનો ઉપાય શોધવા મિનિસ્ટર્સ ચર્ચાવિચારણામાં વ્યસ્ત છે. સ્કોટિશ સરકારના ડેપ્યુટી ફર્સ્ટ મિનિસ્ટર જ્હોન સ્વિનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સામાન્ય માગને પહોંચી વળવા સ્કોટલેન્ડમાં પૂરતો પેટ્રોલ પુરવઠો છે.