લંડનઃ કન્ઝર્વેટિવ સાંસદ શૈલેષ વારા રશિયાના પ્રતિબંધિત લિસ્ટમાં મૂકાયા છે. જોકે, તેમણે જણાવ્યું છે કે પ્રતિબંધિત યાદીમાં મૂકાયા છતાં, યુક્રેન પર રશિયાના ગેરકાયદે આક્રમણ વિરુદ્ધ બોલતા મને અટકાવી શકાશે નહિ.
યુક્રેનને યુકે દ્વારા લશ્કરી સહાય અને રશિયા વિરુદ્ધ અવાજ ઉઠાવવાના કારણે રશિયાના વિદેશ મંત્રાલયે હાઉસ ઓફ કોમન્સના પૂર્વ અને વર્તમાન 287 સાંસદોને રશિયાની મુલાકાત લેવા સામે પ્રતિબંધની યાદીમાં મૂક્યા છે. આ યાદીમાં ભારતવંશી કન્ઝર્વેટિવ સાંસદ શૈલેષ વારાનો પણ સમાવેશ કરાયો છે.
રશિયાની પ્રતિબંધિત યાદીમાં મૂકાવા બાબતે સાંસદ શૈલેષ વારાએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે,‘રશિયાની મુલાકાત લેવાની મારી કોઈ જ યોજના ન હતી પરંતુ, તેમની પ્રતિબંધિત યાદીમાં મૂકાવાથી યુક્રેન પર રશિયાના ગેરકાયદે આક્રમણ અને જંગાલિયાતપૂર્ણ યુદ્ધ અપરાધો વિરુદ્ધ બોલતા મને અટકાવી શકાશે નહિ. યુક્રેનને સમર્થન આપવામાં યુકે લશ્કરી શસ્ત્રસરંજામ અને માનવીય સહાય પૂરી પાડવામાં અગ્રેસર રહેશે.’