લંડનઃ લેબર પાર્ટીના સ્ટોકપોર્ટના પાર્લામેન્ટ મેમ્બર નવેન્દુ મિશ્રાએ યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર શ્રી વિક્રમ દોરાઈસ્વામીને પત્ર પાઠવી ભારતીય હાઈ કમિશન પરના હુમલા સંદર્ભે ચિંતા વ્યક્ત કરી હુમલાને વખોડ્યો હતો તેમજ મેટ્રોપોલીટન પોલીસ દ્વારા શરૂ કરાયેલી તપાસને આવકારી હતી. નવેન્દુ મિશ્રાના આ પત્રમાં લેબર પાર્ટીના અન્ય 6 સાંસદોએ પણ હસ્તાક્ષર કર્યા હતા જેમાં માઈક એમ્સબરી, ઉન્મેષ દેસાઈ, કૃપેશ હિરાણી, વિરેન્દ્ર શર્મા, ટુલિપ સિદ્દીક અને ગારેથ થોમસનો સમાવેશ થાય છે.
નવેન્દુ મિશ્રાએ લખ્યું છે કે,‘હાઈ કમિશન સામે 19 માર્ચ, રવિવારના દિવસે જે હિંસક અવ્યવસ્થા અને ભાંગફોડ સર્જાઈ તેના સંદર્ભમાં સપુોર્ટ વ્યક્ત કરતા જણાવવાનું છે કે આ પ્રકારની તમામ વર્તણૂકને વખોડી કાઢવી જોઈએ અને અમે મેટ્રોપોલીટન પોલીસ દ્વારા શરૂ કરાયેલી તપાસને આવકારીએ છીએ.’ હિંસા અને ભાંગફોડમાં ફેરવાયેલા આ દેખાવો વિશે 24 કલાક પહેલા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જાણકારી ફરતી હતી અને હોમ ઓફિસ પૂરતાં રક્ષણની ચોકસાઈમાં નિષ્ફળ રહેલ છે તે નિરાશાજનક છે. તમામ ડિપ્લોમેટિક મિશન્સ, રાજદ્વારીઓ, સ્ટાફ અને પરિવારોને વિએના કન્વેન્શન અન્વયે રક્ષણ મળે છે. આ જવાબદારી પૂર્ણ કરવામાં હોમ ઓફિસની નિષ્ફળતાનું સરકારે તાકીદે નિરાકરણ લાવવું જોઈએ.’
મિશ્રાએ વધુમાં લખ્યું છે કે,‘ શાંતિપૂર્ણ વિરોધ, દેખાવો અને લોકશાહીવાદી ચર્ચાઓમાં ભાગ લેવાની ક્ષમતા બ્રિટિશ પરંપરાનો મહત્ત્વનો હિસ્સો છે પરંતુ, કોઈ વ્યક્તિ અથવા સંસ્થા સામે ભાંગફોડ અથવા હિંસા તદ્દન અસ્વીકાર્ય છે.’
આપના તમામ સ્ટાફ અને તેમના પરિવારોને અમારો આભાર પાઠવશો. અમે બ્રિટનમાં તમામ રાજદ્વારી મિશનોને રક્ષણ મળતું રહે તેની ચોકસાઈ અને અમારી આંતરરાષ્ટ્રીય જવાબદારીઓનું સન્માન કરાય તે માટે સરકાર પર દબાણ કરતા રહેવાનું ચાલુ રાખીશું.’