સાદિક ખાન બીજી વખત લંડનના મેયર

Wednesday 12th May 2021 06:12 EDT
 
 

લંડનઃ પાકિસ્તાની મૂળના નાગરિક અને લેબર પાર્ટીના નેતા સાદિક ખાન સતત બીજી વખત મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે. ૨૦૧૬માં પહેલી વખત લંડનના મેયર બનેલા સાદિક ખાન પશ્ચિમી દેશના મોટા શહેરના પ્રથમ મુસ્લિમ મેયર હતા. આશરે ૪૨ ટકા વોટિંગ સાથેની આ ચૂંટણીમાં સાદિક ખાનને ૫૫.૨ ટકા (૧,૨૦૬,૦૩૪) મત અને તેમના કન્ઝર્વેટિવ પ્રતિસ્પર્ધી અને પાર્ટીના શોન બેઈલીને ૪૪.૮ ટકા (૯૭૭,૬૦૧) મત મળ્યા છે. આમ, ૨૨૮,૪૩૩ મતની સરસાઈ સાથે સાદિક ખાનનો વિજય થયો હતો. જોકે, ગત ચૂંટણીની સરખામણીએ તેમની મતની ટકાવારી ઘટી છે. આઉટસાઈડર કન્ઝર્વેટિવ ઉમેદવાર શોન બેઈલીએ જોરદાર ટક્કર આપી હતી. કોરોના મહામારીના કારણે ૨૦૨૦માં ચૂંટણી મુલતવી રખાઈ હતી. હવે ખાન ત્રણ વર્ષ સુધી મેયરપદ સંભાળશે.

લંડનના મેયરપદે બીજી વખત ચૂંટાયા પછી સાદિક ખાને બોરિસ જ્હોન્સનની સરકાર સાથે ‘સેતુનિર્માણ’ના શપથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે લોકોએ વિશ્વના સૌથી મહાન શહેરનું નેતૃત્વ કરવા મારા પર ભરોસો મુકયો છે તેની મને ખુશી છે. મેયરપદની મારી બીજી ટર્મમાં રોજગારીસર્જન અને વિવિધ સમુદાયો વચ્ચેનુ અંતર ઘટાડવા પર ધ્યાન કેન્દ્રીત કરીશ.

ઈંગ્લેન્ડના વિજેતા મેયરો...... 

• લંડન (સાદિક ખાન-લેબર)

• બ્રિસ્ટોલ (માર્વિન રીસ-લેબર )

• કેમ્બ્સ & પીટરબરા (નિક જ્હોન્સન -લેબર)

• ડોનકાસ્ટર (રોસ જોન્સ- લેબર  )

• લિવરપૂલ સિટી રીજિયન (સ્ટીવ રોધરહામ-લેબર)

• લિવરપૂલ (જોઆન એન્ડરસન-લેબર)

• ગ્રેટર માન્ચેસ્ટર (એન્ડી બર્નહામ-લેબર )

• નોર્થ ટાઈનેસાઈડ (નોર્મા રેડફીઅર્ન-લેબર )

• સાલફોર્ડ  (પોલ ડેનેટ-લેબર )

• ટીસ વેલી (બેન હોચેન-કન્ઝર્વેટિવ)

• વેસ્ટ ઓફ ઈંગ્લેન્ડ (ડાન નોરિસ- લેબર)

• વેસ્ટ મિડલેન્ડ્સ (એન્ડી સ્ટ્રીટ- કન્ઝર્વેટીવ)

• વેસ્ટ યોર્કશાયર રીજિયન (ટ્રેસી બ્રાબીન-લેબર )


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter