લંડનઃ સરકારની કાર્યક્ષમતા માટેના નવા મિનિસ્ટર જેકોબ રીસ-મોગ સિવિલ સર્વિસીસમાં સુધારાના ભાગરુપે ૬૫,૦૦૦થી વધુ નોકરીઓમાં કાપ મૂકવા માગે છે. તેમણે પ્રશ્ન કર્યો છે કે વર્તમાન નોકરિયાતો કરદાતાઓ માટે મૂલ્ય પુરું પાડે છે કે કેમ તે જોવું જોઈએ.
પૂર્વ કેબિનેટ ઓફિસ મિનિસ્ટર ફ્રાન્સિસ મૌડના કાર્યકાળમાં સિવિલ સર્વિસનું કદ ૨૦૧૦માં આશરે ૪૭૦,૦૦૦ પૂર્ણકાલીન ઓફિસર્સનું હતું જે ૨૦૧૬ના ઈયુ રેફરન્ડમના થોડા સમય અગાઉ ઘટીને ૩૮૪,૦૦૦નું થયું હતું. મૌડના ૨૦૧૨ના સુધારણા પ્લાનમાં સંખ્યા ઘટાડીને ૩૮૦,૦૦૦ કરવાની હતી. જોકે, ઘટાડો થવાના બદલે બ્રેક્ઝિટ અને કોવિડ-૧૯ મહામારીના કારણોસર સંખ્યા વધીને ગયા વર્ષે ૪૭૨,૦૦૦ના આંકડે પહોંચી હતી.
મિનિસ્ટર્સ દ્વારા ૨૦૨૧ના સ્પેન્ડિંગ રીવ્યૂમાં સિવિલ સર્વિસના નોકરિયાતોની સંખ્યા ૨૦૨૩-૨૪ સુધીમાં મહામારી અગાઉના સ્તરે પહોંચાડવાની રુપરેખા દર્શાવાઈ હતી.