લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે સ્વીકાર્યું છે કે તેઓ ચાન્સેલર બન્યા પછી એક વર્ષ કરતા વધુ સમય (19 મહિના) સુધી યુએસ ગ્રીન કાર્ડ ધરાવતા હતા. જ્હોન્સને ચાન્સેલર સારી કામગીરી કરી રહ્યા હોવાનું જણાવ્યા પછી સુનાકે આ ખુલાસો કર્યો હતો. વડા પ્રધાન જ્હોન્સને કહ્યું હતું કે સુનાકે યુએસ ગ્રીન કાર્ડ બાબતે જે કરવું જરૂરી હોય તે બધું જ કર્યું હતું.
રિશિ સુનાક યુએસ ગ્રીન કાર્ડ ધરાવતા હતા જે હેઠળ વ્યક્તિ અમેરિકામાં રહેવા અને કામકાજની છૂટ ધરાવે છે. સુનાક સરકારી હોદ્દા પર ઓક્ટોબર 2021માં અમેરિકાની પ્રથમ મુલાકાતે ગયા ત્યાં સુધી ગ્રીન કાર્ડ ધરાવતા હતા. સુનાક ફેબ્રુઆરી 2020માં ચાન્સેલર બન્યા હતા. એમ મનાય છે કે અમેરિકાના પ્રવાસ અગાઉ જ, સંભવતઃ ઓગસ્ટ 2021માં એટલે કે નોર્થ યોર્કશાયરના રિચમોન્ડના સાંસદ બન્યાના 6 વર્ષ પછી તેમણે ગ્રીન કાર્ડનો ત્યાગ કર્યો હતો.
ગ્રીન કાર્ડહોલ્ડરે તેમની વિશ્વવ્યાપી આવક પર યુએસ ટેક્સ ભરવો પડે છે અને અમેરિકાને તમારું કાયમી નિવાસસ્થાન બનાવવાની જવાબદારી ઉભી થાય છે. આનાથી સાસંદ તરીકે કરદાતાના નાણાથી ચૂકવાતી વેતનની રકમ પર પણ સુનાકે યુએસનો ટેક્સ ચૂકવવો પડે કે કેમ તેવો પ્રશ્ન પણ ઉભો થઈ શકે છે. સુનાક અને અક્ષતા મૂર્તિની મુલાકાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન થઈ હતી અને તેઓ અમેરિકામાં જ રહેતાં હતાં. યુએસમાંથી લાંબા સમયની ગેરહાજરી પછી પરમેનન્ટ રેસિડેન્ટનો દરજ્જો રહેતો નથી. સુનાકે તમામ યુએસ ટેક્સ રિટર્ન્સ ભરવા સાથે ટેક્સ પણ ચૂકવ્યા હતા.