લંડન
રિશી સુનાક વડાપ્રધાન બન્યા પછીની યોજાયેલી સૌપ્રથમ પેટાચૂંટણીમાં ટોરી પાર્ટીને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ચેસ્ટર સિટીની પેટાચૂંટણીમાં લેબર પાર્ટીના ઉમેદવારે ટોરી પાર્ટીના ઉમેદવારને 10,974 મતની સરસાઇથી પરાજય આપ્યો છે. આ પેટાચૂંટણીમાં લેબર પાર્ટીને 61.22 ટકા એટલે કે 17309 મત પ્રાપ્ત થયાં હતાં જ્યારે ટોરી પાર્ટીના ઉમેદવારને ફક્ત 22.4 ટકા એટલે કે 6335 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં ઉતરેલા લિબરલ ડેમોક્રેટ્સના ઉમેદવારને ફક્ત 2368 મત મળ્યા હતા. પેટાચૂંટણીમાં કુલ 41.2 ટકા મતદાન થયું હતું.
ચેસ્ટરની બેઠક પરથી વિજેતા થયેલા લેબર સાંસદ સામંથા ડિક્સને જણાવ્યું હતું કે, ચેસ્ટરની જનતાએ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. તેમણે સ્પષ્ટ જણાવી દીધું છે કે રિશી સુનાકના કન્ઝર્વેટિવોને સરકાર ચલાવવાનો કોઇ અધિકાર નથી. ચેસ્ટરના મતદારોનો જે અભિપ્રાય છે તે જ દેશના મતદારોનો અભિપ્રાય છે. મને લાગે છે કે દેશમાં સંસદની ચૂંટણી કરાવવાનો સમય આવી ગયો છે. જો આજે ચૂંટણી કરાવવામાં આવે તો લેબર પાર્ટીનો વિજય નિશ્ચિત છે.
રાજનીતિના પ્રોફેસર સર જ્હોન કર્ટિસે બીબીસી રેડિયોને આપેલી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ચેસ્ટરની ચૂંટણીના પરિણામોએ પૂરવાર કરી દીધું છે કે જો આજે સંસદની ચૂંટણી યોજાય તો લેબર પાર્ટી ભારે બહુમતીથી વિજયી બની શકે છે. 2010માં ડેવિડ કેમેરૂને સત્તા છોડ્યા પછી લેબર પાર્ટીનો આ શ્રેષ્ઠ દેખાવ છે.
બોરિસ જ્હોન્સન આગામી સંસદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે
ટોરી પાર્ટીની ઘટી રહેલી લોકપ્રિયતા વચ્ચે ઘણા ટોરી સાંસદો આગામી સંસદની ચૂંટણીમાં ઝંપલાવવાનો ઇનકાર કરી રહ્યાં છે ત્યારે પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ઉમેદવારી કરવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાનપદ છોડ્યા બાદ બેક બેન્ચ પર બેસતા બોરિસ જ્હોન્સન ઉક્સબ્રિજ અને સાઉથ રૂઇશિપ સંસદીય બેઠક પરથી સંસદની ચૂંટણી લડશે. સંખ્યાબંધ કૌભાંડોના આરોપ બાદ બોરિસ જ્હોન્સનને વડાપ્રધાનપદેથી રાજીનામુ આપવાની ફરજ પડી હતી તેમ છતાં હજુ તેઓ ઘણા ટોરી સાંસદો અને કાર્યકરોમાં લોકપ્રિયતા ધરાવે છે.
પૂર્વ ચાન્સેલર સાજિદ જાવિદ આગામી સંસદની ચૂંટણી નહીં લડે
છેલ્લા ઘણા સમયથી સંખ્યાબંધ હાઇપ્રોફાઇલ ટોરી સાંસદો આગામી સંસદની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી રહ્યાં છે. હવે તેમાં પૂર્વ ચાન્સેલર અને વિવિધ સરકારોમાં કેબિનેટ મિનિસ્ટર તરીકે ફરજ બજાવનારા બ્રોમ્સગ્રોવના સાંસદ સાજિદજાવિદે પણ આગામી સંસદની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. જાવિદે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, ઘણું વિચાર્યા બાદ મેં આગામી સંસદની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. બ્રોમ્સગ્રોવના લોકોની સેવાનો મને લાભ મળ્યો તે મારા માટે અત્યંત સન્માનનો વિષય છે.