લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકને તેમના પરિવારની ટેક્સ બાબતોમાં તપાસમાં નિર્દોષ ઠરાવાયા છે. બોરિસ જ્હોન્સનના મિનિસ્ટરિયલ એડવાઈઝર લોર્ડ ગેઈટે ઠરાવ્યું હતું કે ચાન્સેલર સુનાકે તેમની પત્ની અક્ષતા મૂર્તિના ટેક્સ સ્ટેટસ બાબતે કોઈ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું નથી. પત્નીના નોન-ડોમિસાઈલ ટેક્સ સ્ટેટસ બાબતે પારદર્શિતા દર્શાવી ન હોવાના આક્ષેપો મધ્યે સુનાકે કેબિનેટના એથિક્સ એડવાઈઝર દ્વારા તપાસની માગણી કરી હતી. અક્ષતા મૂર્તિએ તેમની વિદેશની આવકો પર યુકેમાં કાયદેસર ટેક્સ ભરવાનો થતો ન હોવાનું જણાવ્યું હતું. જોકે, તેમણે પાછળથી સ્વૈચ્છિક રીતે તમામ ટેક્સ ભરવાનું જણાવ્યું હતું.
વડા પ્રધાનને પાઠવેલી સલાહમાં લોર્ડ ગેઈટે લખ્યું હતું કે ચાન્સેલર દ્વારા મિનિસ્ટરિયલ આચારસંહિતાની જરૂરિયાતોનું પાલન કરવામાં આવ્યું છે અને તેઓ પોતાની જવાબદારીઓના નિભાવ અને આ તપાસમાં સહકાર આપવા કાર્યરત રહ્યા છે. આ નિર્ણયે પહોંચવામાં હિતોના સંઘર્ષ અને મિનિસ્ટરિયલ આચારસંહિતાની જરૂરિયાતોને જ ધ્યાનમાં લેવાઈ છે. આવાં હિતો અથવા વ્યવસ્થાની મેરિટ્સના પ્રશ્ને મારી કોઈ ભૂમિકા રહેતી નથી.
સુનાકને તેમની પાસે યુએસનું ગ્રીનકાર્ડ હોવાની અને તેઓ ચાન્સેલર હતા તેના 19 મહિના અને સાંસદ તરીકેના 6 વર્ષ સુધી ટેક્સ હેતુઓ માટે યુએસના કાયમી નાગરિક રહ્યા હોવાની કબૂલાત કરવી પડી હતી. ભારતીય નાગરિક અક્ષતા મૂર્તિ બિઝનેસવુમન છે જેમની સંપત્તિ સેંકડો મિલિયન્સ થવા જાય છે. તેઓ તેમના પિતા નારાયણમૂર્તિ દ્વારા સ્થાપિત IT બિઝનેસ ઈન્ફોસિસમાં 0.91 ટકાનો હિસ્સો ધરાવે છે. તેમના હિસ્સાનું વાર્ષિક મૂલ્ય 11.5 મિલિયન પાઉન્ડ થવા જાય છે જેનો અર્થ એ છે કે તેમણે યુકેમાં નોન-ડોમ સ્ટેટસ થકી આશરે 20 મિલિયન પાઉન્ડનો ટેક્સ ટાળ્યો હતો. તેઓ વિદેશમાં ટેક્સ ભરે છે.