લંડનઃ વડા પ્રધાન રિશિ સુનાક ફ્રન્ટલાઈન રાજકારણી તરીકે બહાર આવ્યા તે વર્ષ 2019થી 1 મિલિયન પાઉન્ડથી વધુ ટેક્સ ચૂકવ્યો છે તેમણે જાહેર કરેલા ટેક્સ રિટર્ન્સ પરથી જાણવા મળે છે. સુનાકે ગત નવેમ્બરમાં પારદર્શકતાનું કમિટમેન્ટ જાહેર કર્યું હતું તેના ભાગરૂપે આ ટેક્સ રીલિઝ મૂકવામાં આવેલ છે. જોકે, વિપક્ષ લેબર પાર્ટીએ ટેક્સ રિટર્ન્સ જાહેર કરવામાં થયેલા વિલંબની ટીકા કરી હતી.
સૌથી ધનવાન બ્રિટિશ રાજકારણીઓમાં એક રિશિ સુનાકે 22 માર્ચ બુધવારે નોર્થ વેલ્સની મુલાકાત વળાએ જણાવ્યું હતું કે,‘ મેં કહ્યું હતું તેમ પારદર્શકતાના હિતમાં મારા ટેક્સ રિટર્ન્સ જાહેર કર્યા છે અને તેમ કરવાનો મને આનંદ છે.’સુનાકે જાહેર કર્યું હતું કે તેમણે 2019થી 2022 વચ્ચેના ગાળામાં કુલ 4.766 મિલિયન પાઉન્ડની કમાણી કરી હતી અને આશરે 22 ટકાના ટેક્સ દરથી 1.053 મિલિયન પાઉન્ડનો ટેક્સ ચૂકવ્યો હતો. ગત વર્ષે તેઓ જ્યારે ફાઈનાન્સ મિનિસ્ટર હતા તે ગાળામાં 42 વર્ષીય રાજકારણીએ કેપિટલ ગેઈન્સ ટેક્સ તરીકે 325,826 પાઉન્ડ અને કુલ 1.9 મિલિયન પાઉન્ડની આવક સામે યુકે ઈન્કમ ટેક્સ પેટે 120,604 પાઉન્ડની ચૂકવણી કરી હતી.
કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાપદની સ્પર્ધાના ચૂંટણી અભિયાન દરમિયાન તેમના પત્ની અક્ષતા મૂર્તિના નોન-ડોમિસાઈલ ટેક્સ સ્ટેટસ સહિત સુનાકની નાણાકીય બાબતો જાહેરમાં આવી ત્યારે તેમના પર ટેક્સ રિટર્ન્સ જાહેર કરવાનું દબાણ આવ્યું હતું. આઈટી કંપની ઈન્ફોસિસના સહસ્થાપક નારાયણ મૂર્તિના પુત્રી અક્ષતાએ ભારતમાં તેમની ભારતીય આવક પર ટેક્સ ચૂકવ્યો હતો. જોકે, વિવાદ પછી તેમણે નોન-ડોમિસાઈલ ટેક્સ સ્ટેટસ છોડી દેવાની જાહેરાત કરી હતી. આ ચૂંટણીમાં સુનાક હારી ગયા હતા પરંતુ, વડા પ્રધાન લિઝ ટ્રસે ટુંકા ગાળા પછી રાજીનામું આપવું પડ્યું ત્યારે સુનાકે વડા પ્રધાન તરીકે સ્થાન સંભાળ્યું હતું.