લંડનઃ ચાન્સેલર રિશ સુનાકે હોલીવૂડ અભિનેતા વિલ સ્મિથે ઓસ્કાર એવોર્ડ્સમાં તેની પત્ની જડા પિન્કેટ સ્મિથની કોમેડિયન ક્રિસ રોકે કરેલી રમૂજ પ્રત્યે રોષ દર્શાવી તેને તમાચો મારી દીધાની ઘટના સાથે તેમની પત્ની અક્ષતા મૂર્તિનાં રશિયા સાથે બિઝનેસ સંપર્કની કરાયેલી ટીકા અને પોતાના રોષની સરખામણી કરી હતી. જોકે, તેમણે રમૂજ સાથે ઉમેર્યું હતું કે ઓછામાં ઓછું તેમણે કોઈને તમાચો ફટકાર્યો નથી.
સુનાકે પત્ની અક્ષતાની ટીકાથી પોતે અપસેટ થયાનું સ્વીકારી હોલીવૂડના ઓસ્કારવિજેતા અભિનેતા વિલ સ્મિથ સાથે પોતાની સરખામણી કરી હતી. બીબીસીના ન્યૂઝકાસ્ટ પોડકાસ્ટ સાથે વાત કરતા સુનાકે જણાવ્યું હતું કે, ‘કોઈએ કહ્યુ હતું કે જો રુટ, વિલ સ્મિથ અને મારા વચ્ચે સામ્ય છે, અમારા કોઈના વીકએન્ડ સારા ગયા નથી. જોકે, મને વિચાર આવે છે કે વિલ સ્મિથ અને હું, બંનેની પત્ની પર હુમલા (ટીકા) થયા છે. ઓછામાં ઓછું મેં કોઈને તમાચો માર્યો નથી. આ સારું છે.’ સુનાકે ફરિયાદના સૂરમાં જણાવ્યું હતું કે રશિયામાં કાર્યરત કંપનીમાં શેર બાબતે તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે સારો વ્યવહાર કરાયો નથી. તેમણે કહ્યું હતું કે, ‘લોકો મારી ટીકા કરે તે તદ્દન યોગ્ય છે પરંતુ, મારી પત્ની અને મારા સસરા વિશે ટીકા કરવી ખોટી છે. મારા સસરાએ જે હાંસલ કર્યું છે તેના વિશે મને ગૌરવ અને આદર છે. તેમની અનુચિત ટીકા કરાવાથી કશું બદલાશે નહિ.’
અક્ષતા તેના પિતા એનઆર નારાયણમૂર્તિ દ્વારા સ્થાપિત IT કંપની ઈન્ફોસીસમાં 0.91 ટકા હિસ્સો ધરાવે છે અને કંપનીની ઓફિસનું સંચાલન મોસ્કોથી પણ કરાય છે. અક્ષતાના હિસ્સાનું વર્તમાન મૂલ્ય 430 મિલિયન પાઉન્ડ જેટલું છે જ્યારે ઈન્ફોસીસમાં મૂર્તિ પરિવારનું સંયુક્ત હોલ્ડિંગ વર્ષ 2020ના રિપોર્ટ મુજબ1.7 બિલિયન પાઉન્ડ હતું તે વધીને 2.7 બિલિયન પાઉન્ડ થયું છે.