લંડનઃ સ્કોટલેન્ડમા ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને સ્પષ્ટ કર્યું છે કે જો મે મહિનાની ચૂંટણીમાં SNPનો વિજય થશે તો વેસ્ટમિન્સ્ટર સંમતિ આપે કે નહિ, તેઓ આઝાદી માટે સલાહકારી જનમત મેળવશે. બીજી તરફ, યુકેના મતદારો માને છે કે સ્કોટલેન્ડ આગામી દાયકામાં બ્રિટનથી આઝાદ થઈ શકે છે. સ્ટર્જને રવિવારે પાર્ટીની નેશનલ એસેમ્બલીમાં સભ્યો સમક્ષ ૧૧ પોઈન્ટનો રોડમેપ રજૂ કર્યો હતો.
નિકોલા સ્ટર્જને બીબીસીના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે તેઓ કાયદેસર રેફરન્ડમ લેવા માગે છે અને મે મહિનામાં સ્કોટિશ લોકોની ઓથોરિટી મેળવશે. SNPનો વિજય થશે તો સ્કોટલેન્ડ એક્ટ ૧૯૯૮ હેઠળ યુકે સરકારને રેફરન્ડમ માટે વિનંતી કરીશું. વેસ્ટમિન્સ્ટર આવી વિનંતીને નકારવાનો લોકશાહી કે નૈતિક અધિકાર ધરાવતું નથી. સ્ટર્જને વડા પ્રધાન જ્હોન્સનને ડરપોક ગણાવ્યા હતા.
સન્ડે ટાઈમ્સ દ્વારા કરાવાયેલા ચાર દેશના મતદાનમાં સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડના બહુમતી મતદારોએ બ્રિટનથી અળગા થવાના મુદ્દે રેફરન્ડમની તરફેણ કરી હતી. પેનલબેઝ પોલ અનુસાર આઝાદીના હિમાયતીઓ ૫૨ ટકા વિરુદ્ધ ૪૮ ટકાથી વિજય મેળવશે. આવા અન્ય પોલ્સમાં પણ જણાયું હતું કે સ્કોટલેન્ડના અડધા મતદારો આગામી પાંચ વર્ષમાં રેફન્ડમ યોજવાનો મત ધરાવે છે. ૪૩ ટકા રેફરન્ડમની તરફેણ કરતા નથી જ્યારે ૭ ટકા હજુ કંઈ કહેવા તૈયાર નથી. નોર્ધર્ન આયર્લેન્ડમાં ૪૭ ટકા મતદારો હજુ યુકેમાં રહેવા ઈચ્છે છે, ૪૨ ટકા સંયુક્ત આયર્લેન્ડમાં માને છે જ્યારે ૧૧ ટકા અનિર્ણિત છે.
હોલીરુડની બેઠકોની આગાહી એવી છે કે મે મહિનાની ચૂંટણીમાં SNP તેની બહુમતી વધારીને ૭૦ સુધી પહોંચી શકે છે જે, ૨૦૧૬ની બેઠકો કરતાં સાત બેઠક વધુ હશે. જોકે, કોવિડના કારણે હજારો લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે રેફરન્ડમની યોજના ઉતાવળી ગણાય તેમ વિરોધીઓ કહે છે.