ગ્લાસગોઃ સ્કોટિશ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને આગામી જનરલ ઈલેક્શન સ્કોટલેન્ડની આઝાદીના મુદ્દે લડવા નિર્ણય લેવા સાથે બીજો સ્કોટિશ ઈન્ડિપેન્ડન્સ રેફરન્ડમ 2023ની 19 ઓક્ટોબરે લેવાની જાહેરાત કરી છે. સ્ટર્જને કહ્યું હતું કે સ્કોટિશ લોકોને 2014ના રેફરન્ડમમાં ‘શું સ્કોટલેન્ડ આઝાદ દેશ હોવો જોઈએ?’નો પ્રશ્ન કરાયો હતો તે જ પ્રશ્ન ફરી પૂછાશે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને બીજા સ્કોટિશ રેફરન્ડમ માટે નિકોલા સ્ટર્જનની યોજનાનો કાળજીપૂર્વક અભ્યાસ કરી પ્રતિભાવ આપવા જણાવ્યું છે
જો બોરિસ જ્હોન્સન સ્કોટલેન્ડને સેક્શન 30 ઓર્ડરનો સતત ઈનકાર કરતા રહેશે તો આગામી સામાન્ય ચૂંટણી સ્કોટલેન્ડની આઝાદીના મુદ્દે લડવાની જાહેરાત નિકોલા સ્ટર્જને કરી છે. તેમણે આ સાથે બીજો સ્કોટિશ ઈન્ડિપેન્ડન્સ રેફરન્ડમ 2023ની 19 ઓક્ટોબરે લેવાની જાહેરાત પણ કરી છે. સ્ટર્જને સ્વીકાર્યું હતું કે ગેરકાયદે રેફરન્ડમથી સ્કોટલેન્ડને સાચી આઝાદી નહિ મળે કારણકે તેને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત નહિ થાય. ઉલ્લેખનીય છે કે 2014ના જનમતમાં સ્કોટિશ લોકોએ 55 વિરુદ્ધ 45 ટકા મતથી યુકેનો હિસ્સો બની રહેવાનું દર્શાવ્યું હતું.
ફર્સ્ટ મિનિસ્ટર સ્ટર્જને વડા પ્રધાનની પરવાનગીની જરૂરિયાત વિના તેમની સરકાર બંધનકર્તા ન રહે તેવો રેફરન્ડમ યોજી શકે કે કેમ તેના વિશે ચુકાદો આપવા સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે. સ્ટર્જને જણાવ્યું હતું કે લોર્ડ એડવોકટે સુપ્રીમ કોર્ટને બિલમાં જોગવાઈઓનો રેફરન્સ મૂકવા સંમતિ દર્શાવી છે. જો સુપ્રીમ કોર્ટ સ્કોટિશ સરકારની યોજનાને ગેરકાયદે ઠરાવે તેવા સંજોગોમાં આગામી સામાન્ય ચૂંટણી મુખ્યત્વે સ્કોટલેન્ડની આઝાદીના મુદ્દા પર જ લડાશે.