લંડનઃ સ્કોટલેન્ડને યુકેથી અલગ કરી આઝાદ બનવાના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જનના અભિયાનને મોટો ફટકો પડ્યો છે. આગામી મહિને લોકલ ઈલેક્શન છે ત્યારે સ્ટર્જન ભારે ઉત્સાહથી અભિયાન ચલાવી રહ્યા છે પરંતુ, તાજેતરના એક પોલમાં 53 ટકા સ્કોટિશ લોકોએ યુકેથી આઝાદ થવા સામે વિરોધ નોંધાવ્યો છે. બીજી તરફ, કન્ઝર્વેટિવ પાર્ટીએ સ્કોટ મતદારોને કાઉન્સિલ ચૂંટણીમાં સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP) અને સ્ટર્જનને જોરદાર મેસેજ આપવા અપીલ કરી છે.
ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જનના યુકેથી આઝાદીના અભિયાનને મોટો ફટકો પડ્યો છે. સર્વેશન દ્વારા કરાયેલા પોલ અનુસાર બહુમતી સ્કોટિશ લોકો યુકે સાથે રહેવાનો મત ધરાવે છે અને અનિશ્ચિત સિવાયના 53 ટકાએ વિભાજનવાદી રેફરન્ડમને નકારમાં જવાબ આપ્યો છે. ગયા વર્ષની સરખામણીએ યુકેમાં રહેવા ઈચ્છતા લોકોમાં 1 ટકાનો વધારો થયો છે અને આ મુદ્દે સંઘવાદીઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે..
જોકે, 24થી 28 માર્ચ વચ્ચેના સર્વેશન પોલમાં હોલીરુડ અને વેસ્ટમિન્સ્ટરમાં કોની તરફેણમાં મત કરશો તેના ઈરાદામાં SNP અને લેબર પાર્ટી પછી કન્ઝર્વેટિવ ત્રીજા સ્થાને આવે છે. હોલીરુડ માટે SNP (46 ટકા) અને લેબર (25 ટકા) પછી કન્ઝર્વેટિવ (20 ટકા) અને લિબ ડેમ (7 ટકા)ની તરફેણ જ્યારે વેસ્ટમિન્સ્ટરમાં SNP (45 ટકા) અને લેબર (27 ટકા) પછી કન્ઝર્વેટિવ (19 ટકા) અને લિબ ડેમ (6 ટકા)ની તરફેણ કરાઈ હતી.