લંડનઃ 200 સ્થાનિક કાઉન્સિલની ચૂંટણીઓમાંથી 199 કાઉન્સિલના પરિણામો જાહેર કરી દેવાયાં છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ આ ચૂંટણીમાં ભારે ફટકો સહન કરવો પડ્યો છે. પાર્ટીગેટ કૌભાંડ અને જીવનનિર્વાહ કટોકટીના કારણે આવા પરિણામો આવ્યાની દલીલ સાથે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની નેતાગીરી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે અને તેમના રાજીનામાની માગણી બળવત્તર બની છે. લિબરલ ડેમોક્રેટિક પાર્ટી અને ગ્રીન પાર્ટીએ સારો દેખાવ છે અને ટોરી તથા લેબર પાર્ટીની બેઠકો પડાવી છે. લિબ ડેમ પાર્ટીએ ઓક્સફર્ડશાયર સહિત ટોરીઝના કિલ્લાઓમાં વિજય મેળવ્યો છે જ્યારે લેબર પાર્ટીએ પણ ટોરીઝના ગઢ સર કર્યા છે. કન્ઝર્ાવેટિલવ પાર્ટીએ હેરો કાઉન્સિલ હાંસલ કરી છે. સ્થાનિક ચૂંટણીઓના પરિણામોના આધારે બીબીસીએ જનરલ ઈલેક્શન માટે પરિણામો પ્રોજેક્ટ કર્યા છે જે મુજબ લેબર પાર્ટીને 291, કન્ઝર્વેટિવ પાર્ટીને 253, લિબ ડેમ્સને 31 અને અન્યોને 75 બેઠક મળવાનો અંદાજ મૂકાયો છે.
આ ચૂંટણીઓમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ 11 કાઉન્સિલ અને 491 કાઉન્સિલર્સ ગુમાવ્યા છે. આનાથી વિપરીત, લેબર પાર્ટીએ 115 કાઉન્સિલર્સ અને પાંચ કાઉન્સિલ મેળવી છે. લિબ ડેમ્સને પણ 222 કાઉન્સિલર્સ સાથે પાંચ કાઉન્સિલ અને સ્કોટિશ નેશનલ પાર્ટીને એક કાઉન્સિલ મળી છે.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સન ઉનાળાના વિરામ અગાઉ કેબિનેટમાં ફેરફારો કરે તેવી શક્યતા છે. ઉનાળાની રિસેસ 21 જુલાઈથી શરૂ થનાર છે.
196 કાઉન્સિલના પરિણામો જાહેર કરાયા ત્યારે લેબરના ફાળે કુલ 2,980 બેઠકો આવી છે અને તેમને 264 બેઠકનો લાભ થયો છે. લિબરલ ડેમોક્રેટસ પાર્ટીના ફાળે કુલ 863 બેઠકો આવી છે અને તેને 189 બેઠકનો લાભ થયો છે. પ્લેઈડ સેમરુ પાર્ટી પાસે હવે કુલ 202 બેઠકો છે એટલે કે ચૂંટણી અગાઉના તેના સંખ્યાબળમાં તેની 1 બેઠક વધી છે. સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP)એ 453 બેઠકો પર વિજય હાંસલ કર્યો છે અને તેને સમગ્રતયા 62 બેઠકોનો લાભ થયો છે. બીજી તરફ ગ્રીન પાર્ટીએ 156બેઠકો પર વિજય મેળવ્યો છે અને તેને 81 બેઠકોનો લાભ થયો છે.
અન્ય પક્ષો એટલે નાની પાર્ટીઓ અને સ્વતંત્ર ઉમેદવારોએ મેળવેલી બેઠકોમાં 240 જેટલો ગણનાપાત્ર ઘટાડો થયો છે એટલે કે તેમનું સંખ્યાબળ હવે 628 બેઠકનું રહ્યું છે.
હેરોમાં ટોરીઝે વિજયનું આશ્ચર્ય સર્જ્યું
કન્ઝર્વેટિવ પાર્ટીએ 12 વર્ષમાં પ્રથમ વખત હેરો કાઉન્સિલ પર નિયંત્રણ મેળવ્યું છે. હેરોમાં મતદારોએ 31 કન્ઝર્વેટિવ્સને ચૂંટ્યા છે અને 24 બેઠકો સાથે લેબર પાર્ટીને પાછળ મૂકી દીધી છે. હેરો કાઉન્સિલમાં 3 કચ્છી ઉમેદવારો નિતેશ હિરાણી, ચેતના હાલાઈ કેન્ટન ઇસ્ટમાંથી જ્યારે કાંતિ પિંડોરિયા કેન્ટન વેસ્ટમાંથી કાઉન્સિલર તરીકે ચૂંટણી જીત્યા અને બ્રેન્ટ કાઉન્સિલમાં 2 કચ્છી ઉમેદવારો જયંતિ પટેલ કવેન્સ બરીમાંથી અને સુનીતા હિરાણી કેન્ટનમાંથી જંગ જીત્યા છે. નિતેશ હીરાણી બીજીવાર ચૂંટાયા છે. હેરો ઈસ્ટના સાંસદ અને ભારતના મિત્ર બોબ બ્લેકમેનની લોકપ્રિયતા તેમજ બ્રિટિશ ભારતીય મતદારોનો આ વિજયમાં નોંધપાત્ર ફાળો રહ્યો છે.