લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સમાં ચર્ચા દરમિયાન ઘેરી નિદ્રા માણી રહેલા લેબર પાર્ટીના 79 વર્ષીય લોર્ડ યંગ ઓફ નોરવૂડ ગ્રીનને ચર્ચામાંથી બાકાત કરી દેવાયા હતા. પોસ્ટલ વર્કર્સ યુનિયનના પૂર્વ નેતા લોર્ડ યંગે જિનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ પરની ચર્ચામાં ભાગ લેવા પ્રયાસ કર્યો હતો પરંતુ, રોષે ભરાયેલા ટોરી વ્હીપ બેરોનેસ બ્લૂમફિલ્ડ ઓફ હિન્ટોન વોલ્ડ્રિસ્ટે તેમને અટકાવી દીધા હતા.
લેબર પાર્ટીના લોર્ડ યંગ ઓફ નોરવૂડ ગ્રીન માટે ઉંઘ ક્ષોભજનક બની રહી હતી. હાઉસ ઓફ લોર્ડ્સમાં જિનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ (ડેલિબરેટ રીલિઝ) (એમેન્ડમેન્ટ) (ઈંગ્લેન્ડ) રેગ્યુલેશન્સ 2022 પર ચર્ચા ચાલી રહી હતી. અચાનક રાત્રિના 10 વાગ્યા પછી લોર્ડ્સના સ્ટાફ દ્વારા જગાડાયેલા લોર્ડ યંગે ઉભા થઈ ચર્ચામાં બોલવાનું શરૂ કર્યું હતુ. જોકે, ટોરી વ્હીપ બેરોનેસ બ્લૂમફિલ્ડ ઓફ હિન્ટોન વોલ્ડ્રિસ્ટે તેઓ મિનિસ્ટરના સંબોધન દરમિયાન એક કલાકથી ઉંઘી રહ્યા હોવાનું જણાવી તેમને ચર્ચામાં ભાગ લેતા અટકાવ્યા હતા.
પૂર્વ બીબીસી ગવર્નર લોર્ડ યંગે વિરોધ કરતા કહ્યું હતું કે હવે તો તેઓ જાગ્રત છે. આ સમયે બેરોનેસે જણાવ્યું હતું કે મારે તમને જગાડવા માટે ડોરકીપર દ્વારા ચિઠ્ઠી મોકલાવી પડી હતી.
પાર્લામેન્ટમાં ઉંઘી ગયાનો આક્ષેપ કરાય તે કોઈ નવી વાત નથી અને અગાઉ પણ નિદ્રાધીન લોકોએ પોતે જાગ્રત હોવાનું ભારપૂર્વક જણાવેલું છે. સાંભળવાની તકલીફ ધરાવતા ઘણા સભ્યો આંખો બંધ કરીને તન્મયતા સાથે તેમની બેઠક સાથે જોડાયેલા સ્પીકર્સને સાંભળતા હોય છે. પરંતુ, પાર્લામેન્ટમાં કોઈ વ્યક્તિ અન્ય પર ઉંઘી રહ્યા હોવાનો આક્ષેપ લગાવે તે અસામાન્ય છે.