લંડનઃ યુકેમાં ભ્રષ્ટાચાર અથવા અનૈતિકતાએ માઝા મૂકી છે ત્યારે સાંસદો પોતાના ઘરને ભાડે આપી કરદાતાઓ પાસેથી હાઉસ રેન્ટના નામે નાણા મેળવવાનો દાવો કરી રહ્યા છે. સર જ્યોફ્રી કોક્સ જેવા પીઢ ટોરી નેતાઓ સંસદીય ફરજ ઉપરાંત, ખાનગી સલાહકાર જેવી અન્ય નોકરી કરીને નાણા મેળવી રહ્યા છે. પાંચ મિનિસ્ટર સહિત ૧૭ સાંસદોએ ૧.૩ મિલિયન પાઉન્ડના ભાડાં મેળવવા ક્લેઈમ્સ કરેલા છે. હકીકત એ છે કે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને આમાં કશું અનૈતિક જણાતું નથી.
વડા પ્રધાન જ્હોન્સન સૌથી ખરાબ કાળમાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે લોબિઈંગ નિયમોનો ભંગ કરનારા પૂર્વ કેબિનેટ મિનિસ્ટર ઓવેન પેટરસનનું સસ્પેન્શન મતદાનથી બચાવવા પ્રયાસ કર્યો હતો. એન્ટિ-સ્લીઝ નિયમો રદ કરવાનું બિલ પસાર કરી દેવાયું હતું પરંતુ, બળવાખોર ટોરી સાંસદોના દબાણ હેઠળ જ્હોન્સને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. આ પછી પૂર્વ એટર્ની જનરલ સર જ્યોફ્રી કોક્સ સહિત ૧૩૯ સાંસદોની બીજી નોકરીઓનો મુદ્દો ઉખળ્યો હતો. જ્હોન્સને બંને મુદ્દા બરાબર રીતે હાથ નહિ ધરવાથી લોકોનો રોષ બહાર આવ્યો છે. આમ છતાં, તેમણે માફી માગવાનું સતત નકાર્યું હતું.
કન્ઝર્વેટિવ પાર્ટીના ૧૫ અને લેબર પાર્ટીના બે સાંસદ સહિત ૧૭ મકાનમાલિક સાંસદોએ પોતાના ખર્ચાઓમાં મકાનભાડાંનો સમાવેશ કર્યો છે જ્યારે પોતાના લંડનસ્થિત ઘરને ભાડે આપી વાર્ષિક ૧૦,૦૦૦ પાઉન્ડ સુધીનું અંગત ભાડું મેળવ્યું છે. પૂર્વ એટર્ની જનરલ સર જ્યોફ્રી કોક્સે માસિક ૧૯૦૦ પાઉન્ડ લેખે ફ્લેટનું ભાડું ક્લેઈમ કર્યું છે. બીજી તરફ, ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી એન-મેરી ટ્રેવેલીન, ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસ, ફોરેન ઓફિસ મિનિસ્ટર જેમ્સ ક્લેવર્લી, પ્રિઝન્સ મિનિસ્ટર વિક્ટોરિયા એટકિન્સ અને જુનિયર ટ્રેઝરી મિનિસ્ટર જ્હોન ગ્લેન પણ આ કોભાંડમાંથી બાકાત નથી.