લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પાર્ટીગેટ કૌભાંડમાં 50 પાઉન્ડની પેનલ્ટી મળવા બાબતે સંપૂર્ણ નમ્રતા સાથે પાર્લામેન્ટની માફી માગી હતી. આમ છતાં, ડાઉનિંગ સ્ટ્રીટના મેળાવડાને પાર્ટી કહેવાનો સદંતર ઈનકાર કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે પાર્લામેન્ટ સમક્ષ જુઠાણું ઉચ્ચાર્યું નથી. તેમણે ખુદ લોકડાઉન નિયમોનો ભંગ કર્યો હોવાથી અજાણ હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું.
બીજી તરફ, પાર્ટીગેટના રાજકીય તારણોથી બચવાની જ્હોન્સનની આશા પર પાણી ફરી વળ્યું હતું. કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલે વડા પ્રધાન સામે કોમન્સને ગેરમાર્ગે દોરવા બદલ તપાસ કરાવી જોઈએ કે કેમ તે મુદ્દે મતદાનને મંજૂરી આપી છે. ડાઉનિંગ સ્ટ્રીટમાં તમામ લોકડાઉન નિયમોનું પાલન કરાયું હોવાના વડા પ્રધાનના દાવા સામે લેબર પાર્ટી દ્વારા ચર્ચા અને મતદાનના પ્રસ્તાવને સ્પીકરે મંજૂરી આપ્યા પછી સાંસદો ગુરુવારે આ મુદ્દે મતદાન કરશે.
વડા પ્રધાન જ્હોન્સને માફી માગતું ટુંકુ નિવેદન કર્યા પછી તત્કાળ યુક્રેન યુદ્ધનો મુદ્દો ઉઠાવી લીધો હતો. નિવેદન દરમિયાન વિપક્ષી સભ્યોએ તેમને ‘ક્રિમિનલ’ જ્યારે, લેબરનેતા સર કેર સ્ટાર્મરે વડા પ્રધાનને ‘મશ્કરી’ સમાન ગણાવ્યા હતા. પાર્લામેન્ટમાં આવતા અગાઉ, જ્હોન્સને યુએસ પ્રમુખ જો બાઈડેન, ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોં અને જર્મન ચાન્સેલર ઓલાફ શોલેઝ સાથે રશિયન આક્રમણ મુદ્દે વાતચીત કરી હોવાનું પણ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું.