લંડનઃ બ્રેક્ઝિટ પ્રક્રિયામાં ફાચર મારવાના વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના પ્રયાસ સામે ટોરી સભ્યોમાં નારાજગી હોવાં છતાં, આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરે તેવા વિવાદાસ્પદ ‘ઈન્ટર્નલ માર્કેટ બિલ’ને સોમવારે રાત્રે હાઉસ ઓફ કોમન્સમાં ૭૭ મત (૩૪૦ વિ. ૨૬૩ મત)ની સરસાઈથી પસાર કરી લેવાયું હતું. ૩૦ ટોરી સાંસદ ગેરહાજર રહ્યા હતા અને બે સાંસદે વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. યુરોપિયન યુનિયને આ બિલને કરારભંગ ગણાવી કાનૂની કાર્યવાહીની ધમકી આપેલી છે. ડીયુપીના સાત સાંસદોએ બિલને ટેકો આપ્યો હતો. આ બિલ પરના સુધારાઓ મુદ્દે આગામી સપ્તાહે બીજું મતદાન કરાશે.
આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ થઈ શકે તેવા આક્ષેપો મધ્યે કોમન્સે ૭૭ મતની સરસાઈથી ‘ઈન્ટર્નલ માર્કેટ બિલ’ પસાર કર્યું હતું. બ્રેક્ઝિટ બિલના વિરોધમાં પૂર્વ વડા પ્રધાન થેરેસા મે અને પૂર્વ ચાન્સેલર સાજિદ જાવિદ પણ ગેરહાજર રહ્યાં હતાં. જ્હોન્સને ઈયુ સામે નોર્ધર્ન આયર્લેન્ડને ગ્રેટ બ્રિટનની ફૂડ નિકાસોમાં અવરોધ મૂકવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ બિલ ઈયુ ડાઈવોર્સ બિલ- વિથ્ડ્રોઅલ સમજૂતીના કેટલાક હિસ્સાને બિનઅસરકારક બનાવી દેશે. તેમણે દાવો કર્યો હતો કે આ બિલ ઈયુને વિથ્ડ્રોઅલ સમજૂતીની નોર્ધર્ન આયર્લેન્ડ સંબંધિત જોગવાઈઓનું ખોટું અને અતાર્કિક અર્થઘટન કરતા અટકાવવા માટે જરુરી છે. વિવાદિત બિલને રદ કરવાના વિપક્ષી સુધારો નિષ્ફળ ગયો હતો જેની તરફેણમાં ૨૧૩ અને વિરુદ્ધમાં ૩૪૯ મત પડ્યા હતા.
યુકે ઈન્ટર્નલ માર્કેટ બિલ અનુસાર યુકે બ્રેક્ઝિટ ડાઈવોર્સ સમજૂતીની ચાવીરુપ બાબતોમાં એકપક્ષી નિર્ણય લઈ શકે છે. આ દરખાસ્તો આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરતી હોવાનું સ્વીકારવા સાથે મિનિસ્ટર્સ ભારપૂર્વક કહે છે કે આ નોર્ધર્ન આયર્લેન્ડ શાંતિપ્રક્રિયાના રક્ષણ માટે આવશ્યક છે.
ઈયુની કાનૂની કાર્યવાહીની ધમકી
જ્હોન્સન બ્રેક્ઝિટ ડાઈવોર્સ સમજૂતીનો નોર્ધર્ન આયર્લેન્ડ સંબંધિત કેટલોક હિસ્સો બદલવા માગતા હોવાના અહેવાલોના પગલે યુરોપિયન યુનિયન(ઈયુ) અને યુકે વચ્ચે તણાવ વધી ગયો છે. ઈયુએ કરારભંગ કરાય તો બ્રિટનને ૨૦ દિવસમાં કાનૂની પગલાં લેવાની ધમકી આપી છે. ઈયુએ આ મહિનાના અંત સુધીમાં બોરિસ જ્હોન્સન પોતાની યુકે ઈન્ટર્નલ માર્કેટ બિલ દરખાસ્તોમાં પીછેહઠ કરે તેવું અલ્ટિમેટમ પણ આપ્યું છે. ડિસેમ્બરમાં ટ્રાન્ઝીશન પીરિયડ પૂરો થવામાં ચાર મહિના કરતાં પણ ઓછો સમય છે અને વેપારમંત્રણામાં ખાસ પ્રગતિ સધાઈ નથી ત્યારે નો-ડીલ બ્રેક્ઝિટની સંભાવના વધી ગઈ છે. ઈયુએ જણાવ્યું છે કે વડા પ્રધાનની દરખાસ્તો ‘ગુડ ફ્રાઈડે એગ્રીમેન્ટ’ના રક્ષણ માટે આવશ્યક હોવાની યુકેની દલીલ સ્વીકાર્ય નથી અને ખરેખર તો જ્હોન્સનનું વલણ તેનાથી વિરુદ્ધનું છે.