લંડનઃ દેવામાં ફસાયેલી રાજબિન્દર કૌર પર પોતાની જ ચેરિટીમાંથી 50,000 પાઉન્ડની ઉચાપતનો આરોપ મૂકાયો છે. પોતાની જીવનજરૂરીયાતો અને શોખ પૂરા કરવા માટે કૌરે શીખ યુથ યુકે ચેરિટીમાંથી મોટી રકમ પોતાના અંગત બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યાંનો આરોપ છે. બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, અંગત બિલોની ચૂકવણી માટે દેવામાં ફસાયેલી પૂર્વ બેન્ક કર્મચારી 54 વર્ષીય કૌરે દાનમાં મળેલા નાણાનો ઉપયોગ કર્યો હતો. તેણે આ નાણાનો ઉપયોગ સ્કાય ટીવી, સેવર્ન ટ્રેન્ટ, કોન્સર્ટની ટિકિટો અને પોસ્ટ કોડ લોટરી માટે કર્યો હતો. તેણે કેટલીક રકમ પોતાના સગાંને પણ ટ્રાન્સફર કરી હતી.
જોકે હેન્ડ્સવર્થમાં રહેતી કૌરે તેના પર મૂકાયેલા આરોપોનો ઇનકાર કર્યો હતો. કૌર અને તેનો ભાઇ કલદીપ સિંહ લેહાલ આ ચેરિટીના ડિરેક્ટર છે. તેમણે ચેરિટી કમિશનને ખોટી માહિતી આપવાનો આરોપ પણ નકારી કાઢ્યો હતો. આ ચેરિટી યુવાઓ મધ્યે કામ કરે છે.