લંડનઃ આ વર્ષે સેન્ડરિંગહામ ખાતે થનારી રાજવી પરિવારની ક્રિસમસની ઉજવણીમાંથી પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલની બાદબાકી કરી દેવાઇ છે. પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલના રાજવી પરિવાર સાથેના વણસેલા સંબંધોને કારણે આ નિર્ણય લેવાયો છે.
અખબારી અહેવાલ પ્રમાણે લાંબા સમયથી ચાલી આવતી રાજકીય પરંપરા અંતર્ગત ક્રિસમસના મેળાવડાના મહેમાનોની યાદીમાંથી પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલની બાદબાકી કરી દેવાઇ છે. છેલ્લે 2018માં પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલ રાજવી પરિવાર દ્વારા આયોજિત ક્રિસમસ ઉજવણીમાં હાજર રહ્યાં હતાં. 2020માં રાજવી ફરજોમાંથી મુક્ત થયા બાદ તેઓ મોટાભાગનો સમય અમેરિકામાં પસાર કરી રહ્યાં છે. આ પહેલાં પણ પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલને ઘણા રાજવી પ્રસંગોમાંથી બાકાત રખાયાં હતાં.
તાજેતરના મહિનાઓમાં કિંગ ચાર્લ્સે પણ પ્રિન્સ હેરીના પત્ર અને ફોન કોલ્સના ઉત્તર આપવાનું બંધ કરી દીધું છે. પ્રિન્સ હેરીના એક મિત્રના જણાવ્યા અનુસાર પ્રિન્સ હેરી કૉલ કરે છે ત્યારે તેમને કિંગ ઉપલબ્ધ ન હોવાનું જણાવવામાં આવે છે. તેમણે કિંગની તબિયત જાણવા કોલ કર્યો હતો પરંતુ તેનો પણ જવાબ અપાયો નહોતો.