લંડનઃ બ્રિટિશ રાજવી પરિવાર હંમેશા સમાચાર માધ્યમોમાં છવાયેલો રહે છે. એક મેગેઝિનના અહેવાલ પ્રમાણે નવા વર્ષમાં રાજવી પરિવારને બ્રિટિશ સરકાર દ્વારા અપાતા નાણામાં વધારો થવા જઇ રહ્યો છે. જોકે બ્રિટિશ જનતા તેનાથી ખુશ નથી.
રિપોર્ટ અનુસાર એપ્રિલ 2025થી બ્રિટિશ જનતાના ટેક્સના નાણામાંથી રાજવી પરિવારને અપાતી ગ્રાન્ટમાં 56 મિલિયન અમેરિકન ડોલરનો વધારો થશે. જેના પગલે રાજવી પરિવારને મળતી ગ્રાન્ટની રકમ 165 મિલિયન પાઉન્ડ પર પહોંચી જશે. એકતરફ બ્રિટિશ સરકાર આર્થિક સંકડામણનો સામનો કરી રહી છે ત્યારે આ વધારાએ જનતામાં રોષ જન્માવ્યો છે.
2024માં પણ રાજવી પરિવારની ગ્રાન્ટમાં વધારો કરાયો હતો. તે સમયે રાજવી પરિવારે જણાવ્યું હતું કે ગ્રાન્ટનો મોટાભાગનો હિસ્સો બકિંગહામ પેલેસના રિનોવેશન પાછળ ખર્ચાશે. બકિંગહામ પેલેસના રિનોવેશન માટે 462 મિલિયન ડોલરનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. 2027 સુધીમાં રિનોવેશનનું કાર્ય પુરું થવાની સંભાવના છે.
રિપબ્લિક સંગઠનના સીઇઓ ગ્રેહામ સ્મિથે જણાવ્યું હતું કે, સરકાર જનતાલક્ષી કાર્યો માટે આર્થિક અછતનો સામનો કરી રહી છે ત્યારે રાજવી પરિવારની ગ્રાન્ટમાં વધારો થઇ રહ્યો છે. આ જનતાના નાણા છે. સરકાર શાળાઓ, હોસ્પિટલો, પોલીસ સહિતના વિભાગોને પુરતું ભંડોળ આપી શક્તી નથી. રાજવી પરિવારની ગ્રાન્ટમાં વધારો નહીં પરંતુ ઘટાડો કરવો જોઇએ.