લંડનઃ યુકેમાં ગેરકાયદેસર આવીને રાજ્યાશ્રયની માગ કરનારા માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલવાની યોજનાનો વ્યાપ સરકાર દ્વારા વધારવામાં આવ્યો છે. હવે યુકેમાં જેમના રાજ્યાશ્રયના દાવા નકારી કઢાયાં છે તેવા રાજ્યાશ્રયવાંચ્છુઓને પણ રવાન્ડા મોકલી આપવાની સરકાર તૈયારી કરી રહી છે.
હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું હતું કે, યુકેએ રવાન્ડા સાથે કરાયેલી સંધિનું વિસ્તરણ કર્યું છે જે અંતર્ગત જે લોકો યુકેમાં ગેરકાયદેસર રીતે આવેલા અને રાજ્યાશ્રયના તેમના દાવાને નકારી કઢાયો હતો તેમને પણ હવે રવાન્ડા મોકલી અપાશે.
આ પહેલાં ફક્ત એવા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલી આપવાની તૈયારી કરાઇ હતી જેઓ 1 જાન્યુઆરી 2022 પછી યુકે આવ્યા હતા અને જેમના રાજ્યાશ્રયના દાવાને સ્વીકારવામાં આવ્યો નથી પરંતુ સત્તાવાર રીતે નકારી પણ કઢાયો નથી. આ યોજના અંતર્ગત આ પ્રકારના માઇગ્રન્ટ્સને રવાન્ડામાં રાજ્યાશ્રય માટે અરજી કરવાની રહેશે. જો તેમની અરજી સ્વીકારવામાં આવે તો તેઓ રવાન્ડામાં રહી શકશે નહીંતર તેમને અન્ય દેશમાં રાજ્યાશ્રય માગવાની ફરજ પડશે.
ક્લેવરલીએ જણાવ્યું હતું કે, યુકેમાં રાજ્યાશ્રય મેળવવામાં નિષ્ફળ ગયેલા માઇગ્રન્ટ્સને રવાન્ડામાં પાંચ વર્ષ સુધી એટલી જ આર્થિક સહાય ઉપરાંત શિક્ષણ, તાલીમ, રોજગાર અને રહેવાની વ્યવસ્થા અપાશે. પરંતુ જેમને યુકેમાં રહેવાનો અધિકાર નથી તેમને વસવાટની પરવાનગી અપાશે નહીં. અમારી પાસે સુરક્ષિત ત્રીજો દેશ તૈયાર છે અને તે માઇગ્રન્ટ્સને સ્વીકારવા તૈયાર છે. આ માટે માઇગ્રન્ટ્સની અટકાયત કરવાનું જારી રખાશે.
રવાન્ડા મોકલાનારા માઇગ્રન્ટ્સની સારવારનો તમામ ખર્ચ બ્રિટન ઉઠાવશે
રવાન્ડામાં દેશનિકાલ કરાયેલા માઇગ્રન્ટ્સને ત્યાં મેડિકલ સારવાર નહીં મળે તો બ્રિટનની સરકાર તેમને સારવાર માટેનો ખર્ચ ચૂકવશે. માઇગ્રન્ટ્સ વિનામૂલ્યે કોન્ટ્રાસેપ્ટિવ્સ, ઓન સાઇટ મેન્ટલ હેલ્થ સપોર્ટ, વિનામૂલ્યે આંખોના ટેસ્ટ અને ચશ્મા પણ મેળવી શકશે. રવાન્ડાની રાજધાની કિગાલીમાં રવાન્ડાની સરકાર અને હેલ્થ ઇન્શ્યૂરન્સ કંપની વચ્ચે થયેલા કરાર અંતર્ગત માઇગ્રન્ટના રવાન્ડા પહોંચ્યા પછી તેને પાંચ વર્ષ સુધી આરોગ્ય વીમાનું કવચ હાંસલ થશે. જો રવાન્ડમાં બીમારીની સારવાર થઇ શકે તેમ ન હોય તો તેમને વિદેશ મોકલી અપાશે અને તેનો ખર્ચ બ્રિટન સરકાર ઉઠાવશે.