લંડનઃ આજના ઇન્ટરનેટ યુગમાં ટેલિવિઝન પણ ‘જૂના જમાના’ના ગણાતા હોય તો પછી રેડિયોની તો વાત જ શી કરવી?! પણ એક જમાનો હતો - મનોરંજનનું એકમાત્ર સાધન હતું રેડિયો. આપણામાના મોટા ભાગના રેડિયો સાંભળીને ઉછર્યા હશે, પરંતુ હકીકત એ પણ છે કે સમયના વહેવા સાથે રેડિયો વિસરાઇ ગયો છે.
રેડિયો શોધ્યો મળતો નથી, પણ ૮૫ વર્ષના નિવૃત્ત એન્જિનિયર રિચાર્ડ એલનની વાત અલગ છે. તેમની પાસે એકાદ-બે નહીં, ૨૦૦થી વધુ રેડિયો છે. એક એકથી ચઢિયાતા એન્ટિક રેડિયોના આ કલેક્શનનું મૂલ્ય ૧૫,૦૦૦ પાઉન્ડ કરતાં પણ વધુ છે.
રિચાર્ડને પિતા પાસેથી હેમ રેડિયોની ભેટ મળી હતી. આ હેમ રેડિયો તેમના પિતાએ જાતે બનાવ્યો હતો. બસ, ત્યારથી તેમને રેડિયોનું વળગણ લાગ્યું છે. રિચાર્ડના કલેક્શનમાં રિજન્સી પોકેટે બનાવેલા સૌપ્રથમ ટ્રાન્ઝિસ્ટર રેડિયોનો પણ સમાવેશ થાય છે. તેઓ છેલ્લા ૫૦ વર્ષથી એન્ટિક રેડિયો પીસનું કલેક્શન કરતા રહ્યા છે, જેમાં એન્ટિક ટ્રાન્ઝિસ્ટર, વાલ્વ અને ક્રિસ્ટલ સેટ સામેલ છે.
નોર્થફોર્કના રહેવાસી રિચાર્ડને પિતા એલેક્ઝાન્ડર વિલિયમના લીધે રેડિયોપ્રેમ વારસામાં મળ્યો છે એમ પણ કહી શકાય. એલેકઝાન્ડરે પોતાનું ટ્રાન્સમિટર જાતે બનાવ્યું હતું અને એરવેવ્સ દ્વારા સમગ્ર વિશ્વના લોકો સાથે વાતો કરતા હતા. વાસ્તવમાં રિચાર્ડનો સૌપ્રથમ અને ફેવરિટ રેડિયો હેમ રેડિયો છે, જે તેમના પિતાએ ભેટ આપ્યો છે. ૧૯૩૮માં આ રેડિયો ખરીદ્યા પછી બીજા વિશ્વયુદ્ધના અવિરત સમાચાર તેમણે તેના પર સાંભળ્યા હતા. તેમના કલેક્શનના બીજા મહત્વના પીસમાં E-52-B જર્મન મિલિટરી રેડિયો છે. તેમની પાસે રિજન્સીનો પોકેટ રેડિયો પણ છે, જે ૧૯૫૪માં કોમર્શિયલી બનાવાયેલો સૌપ્રથમ ટ્રાન્ઝિસ્ટર રેડિયો હતો.
રિચાર્ડ કહે છે કે મારા પિતા ઈલેક્ટ્રિક એન્જિનિયર હતા. તેમણે મને શીખવાડ્યું હતું કે કેવી રીતે રેડિયો બનાવાય. હું બસ પછી તેમને અનુસરીને જ મોટો થયો. વર્ષો વીતવાની સાથે મેં અલગ-અલગ પ્રકારના રેડિયો રાખવાનું શરૂ કર્યું. તેની સાથે રેડિયો હોય તેવા લોકોને મદદ પણ કરી. ૨૦૦૧માં મારા પૌત્રે મને સૂચવ્યું હતું કે મારે પોતાની વેબસાઈટ શરૂ કરવી જોઈએ. ટૂંક સમયમાં મને ઘણો બધો સહકાર મળ્યો અને વધુને વધુ રેડિયોનું કલેક્શન કરી શક્યો છું. ઘણા લોકોએ મને તેમના તૂટેલા જૂના રેડિયો રિપેર ન થઈ શકે તે સ્થિતિમાં આપ્યા હતા. મેં તે બધા રેડિયોને રિપેર કર્યાં અને સાચવ્યા છે. મારા માટે આ રેડિયોને ફરી વાગતા કરવા તે મોટો પડકાર હતો. મેં આ પડકાર ઉપાડી લીધો. મેં મારા આ પ્રોગ્રેસના વીડિયો અને ફોટોગ્રાફ્સ અપલોડ કર્યા છે, જેથી બીજા લોકોને તેમાંથી પ્રેરણા મળે.
રિચાર્ડ કહે છે કે મારા કલેક્શનના બધેબધા રેડિયો ભલે વર્કિંગ કંડિશનમાં ન હોય, પણ ૯૦ ટકા તો ચાલે જ છે. તેમના કલેક્શનમાં ૧૯૦૦ના દાયકાના ટ્રાન્ઝિસ્ટર અને વાલ્વ રેડિયો છે. તેમાં ૧૯૩૩નો માર્કોનીફોન, ૧૯૪૯નો મિગેટ રેડિયો અને સોબેલનો ૪૩૯ રેડિયો, ૧૯૬૫નો એડીસ્ટોન EC-10નો રેડિયો, ૧૯૭૦નો વિયેન TT-85ના રેડિયોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૯૨૬નો બેલ્ટોના-૩નો વાલ્વ રેડિયો પણ છે, જે આજે પણ ચાલુ છે. જ્યારે બેલ્ટોના હેમ રેડિયો ૯૬ વર્ષ જૂનો છે.
તેઓ કહે છે કે મારી પાસે મને ડોનેટ કરાયેલા કે સસ્તા ખરીદાયેલા રેડિયો છે. દરે રેડિયો મારા માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. મારી પાસે જે જર્મન E-52-B રેડિયો છે તે વિશ્વમાં ભાગ્યે જ જોવા મળતો પીસ છે. મારી પાસે ૬૦થી ૭૦ના દાયકાના ઓરિજિનલ બોક્સમાં હોય તેવા પણ કેટલાક રેડિયો છે. રિચાર્ડ કહે છે કે મારી પાસે રેડિયોનું આ અદભૂત કલેક્શન તો છે, પણ જો તેની હરાજી કરાય તો આધુનિક ટેક્નોલોજીની આ યુગમાં કોઈ પણ રેડિયોના દસેક પાઉન્ડથી વધારે ઉપજે તેવું મને લાગતું નથી.