લંડનઃ કન્ઝર્વેટિવ નેતા અને પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે લેબર સરકારને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે, જેલમાંથી વહેલા મુક્ત કરી દેવાયેલા ભયજનક અપરાધીઓ શેમ્પેનની છોળો ઉડાડીને ઉજવણી કરી રહ્યાં છે જે અપરાધનો ભોગ બનેલા પીડિતો અને કાયદાનું પાલન કરતા બહુમતી લોકોનું અપમાન છે.
આ સપ્તાહમાં પાંચ વર્ષ કે તેથી વધુ કેદની સજા પામેલા અને 40 ટકા સજા ભોગવી ચૂક્યા હોય તેવા કેદીઓને મુક્ત કરવામાં આવી રહ્યાં છે. થોડા સપ્તાહ પહેલાં સરકારે પાંચ વર્ષ કે તેથી ઓછી સજા પામેલા હજારો કેદીઓને મુક્ત કર્યાં હતાં.
પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે, હું હોમ સેક્રેટરી હતી ત્યારે અમે અપરાધીઓમાં ભય પેદા કર્યો હતો. અમે પોલીસને વધુ સત્તાઓ આપી હતી, 20,000 વધારાના પોલીસ અધિકારી માટે ભંડોળ ઉપલબ્ધ કરાવ્યું હતુ જેથી અસામાજિક વ્યવહાર અને અપરાધો અટકાવી શકાય. અમે હિંસક અપરાધો કરનારા અને બળાત્કારીઓની સજા વધારી હતી અને પીડિતોને સારી સેવાઓ માટેના અધિકાર આપ્યા હતા.
પટેલે ચિંતા વ્યક્ત કરી હતી કે હવે આપણા બહાદૂર પોલીસ અધિકારીઓએ સડકોને સુરક્ષિત રાખવા માટે વધુ મહેનત કરવી પડશે કારણ કે હજારો કેદીઓ જેલમાંથી મુક્ત થઇ ગયાં છે. અમે સત્તામાં હતા ત્યારે અપરાધ મુક્ત વાતાવરણ માટે અપરાધીઓને સજા કરવાના અમારા દરેક પગલાંનો કેર સ્ટાર્મર અને લેબર પાર્ટી દ્વારા વિરોધ કરાયો હતો.