લંડનઃ બ્રિટનનું અર્થતંત્ર રૂંધાઇ રહ્યું છે. નવા આંકડા અનુસાર લેબર ચાન્સેલર રેચલ રીવ્ઝે બજેટમાં ઝીંકેલા કરવેરાના કારણે વેપાર અને ઉદ્યોગજગતનો આત્મવિશ્વાસ ડગી રહ્યો છે. એક મોટા સરવેમાં જણાવવામાં આવ્યું છે કે નવેમ્બરમાં પ્રાઇવેટ સેક્ટરની કામગીરી છેલ્લા 13 મહિનાના તળિયે બેઠી છે. કંપનીઓએ નવા કર્મચારીઓની નિયુક્તિ અને મૂડીરોકાણ સ્થગિત કરી દીધાં છે.
અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે વેપાર અને ઉદ્યોગજગત રીવ્ઝના બજેટને નકારી રહ્યાં છે. એમ્પ્લોયર્સ નેશનલ ઇન્શ્યુરન્સમાં 25 બિલિયન પાઉન્ડનો કરબોજ ઝીંકવાનો નિર્ણય વેપાર જગત માટે હારાકિરી પૂરવાર થઇ રહ્યો છે.
બ્રિટનના કેટલાક મોટા રિટેલર્સે ચેતવણી આપી છે કે નેશનલ ઇન્શ્યુરન્સમાં વધારાના કારણે નોકરીઓમાં કાપ આવશે, મોંઘવારી વધશે અને દુકાનો બંધ પણ થઇ શકે છે. સત્તાવાર અંદાજ પ્રમાણે કરવેરામાં વધારાના કારણે આર્થિક વૃદ્ધિ આગામી પાંચ વર્ષ માટે રૂંધાઇ જશે.
સત્તાવાર આંકડા પ્રમાણે છેલ્લા એક મહિનામાં રિટેલ વેચાણમાં ઘટાડો થયો છે. દુકાનદારોએ બજેટ પહેલાં જ ખર્ચમાં કાપ મૂકવાનું શરૂ કરી દીધું હતું. એસ એન્ડ પીના અર્થશાસ્ત્રી ક્રિસ વિલિયમસન કહે છે કે કંપનીઓ બજેટમાં જાહેર કરાયેલી નીતિઓને નકારી રહી છે.
જોકે ચાન્સેલર રીવ્ઝે જણાવ્યું હતું કે, મને વારસામાં મળેલા અર્થતંત્રની સ્થિતિ માટે હું જવાબદાર નથી. અમારી સરકારની પહેલી પ્રાથમિકતા આર્થિક વૃદ્ધિ છે. બજેટ વેપાર જગતને આર્થિક વૃદ્ધિ માટે જરૂરી સ્થિર પાયો પૂરો પાડી રહ્યું છે. અમે અમારા મિશન દ્વારા પરિણામો આપવા તૈયાર છીએ.
બિઝનેસો દ્વારા નોકરીઓમાં કાપ મૂકવા, દુકાનો બંધ થવાની ચેતવણી
ટેસ્કો, નેક્સ્ટ અને માર્ક્સ એન્ડ સ્પેન્સર જેવા મોટા બિઝનેસોએ ચાન્સેલરને ચેતવણી આપી છે કે તેમના બજેટની જોગવાઇઓના કારણે નોકરીઓમાં કાપ આવશે, મોંઘવારીમાં વધારો થશે અને દુકાનો બંધ થઇ શકે છે. તેમણે રીવ્ઝના બજેટને બિઝનેસ વિરોધી, વિકાસ વિરોધી અને ટૂંકી દ્રષ્ટિનું ગણાવ્યું છે. બજેટની જોગવાઇઓના કારણે 17,000 નાના અને મધ્યમ બિઝનેસ મુશ્કેલીમાં મૂકાયા છે. તેમણે જણાવ્યું છે કે નવી લેબર સરકાર પાસે લઘુ અને મધ્યમ બિઝનેસોને મદદ કરવાની આ બજેટમાં તક હતી. એસએમઇ યુકેના અર્થતંત્રની કરોડરજ્જૂ છે. એવું લાગી રહ્યું છે કે સરકાર વાસ્તવિકતાથી વાકેફ જ નથી.