લંડનઃ સરકારની બોરોઇંગ કોસ્ટમાં થઇ રહેલા વધારાને પગલે સરકારી તિજોરી પર દબાણ સર્જાઇ રહ્યું છે ત્યારે ચાન્સેલર રેચલ રીવ્ઝે આર્થિક સંબંધો સુધારવા ચીનનો પ્રવાસ કરવાનું પસંદ કર્યું છે. બ્રેક્ઝિટ બાદ યુકેના અર્થતંત્ર પર જાણે કે કુઠારાઘાત થયો છે. અગાઉની સુનાક સરકારે અર્થતંત્રને બેઠું કરવા વિવિધ દેશો સાથે મુક્ત વેપાર કરારના પ્રયાસો કર્યા. ઓસ્ટ્રેલિયા સાથે મુક્ત વેપાર કરવામાં આવ્યો અને ભારત સાથેનો મુક્ત વેપાર કરાર પાઇપ લાઇનમાં જ હતો ત્યાં યુકેમાં સરકાર બદલાઇ ગઇ.
જુલાઇ 2024માં સ્ટાર્મર સરકાર સત્તામાં આવ્યા પછી જાણે કે ભારત સાથેના મુક્ત વેપાર કરારને હાંસિયામાં ધકેલી દેવાયો હોય તેમ પ્રતીત થઇ રહ્યું છે. સુનાક સરકારના સમયગાળામાં નવી દિલ્હી સાથે વેપાર કરાર પર 14 રાઉન્ડ મંત્રણા દ્વારા મોટાભાગના મતભેદોનો ઉકેલ લાવી દેવાયો પરંતુ સ્ટાર્મર સરકાર દ્વારા આ દિશામાં કોઇ પહેલ કરવામાં આવી નથી. હજુ સુધી ભારત સાથેની મંત્રણાના નવા રાઉન્ડ શરૂ થયાં નથી. આવી સ્થિતિમાં સ્ટાર્મર સરકારનો ચીન પ્રત્યેનો ઝૂકાવ નવા સવાલો પેદા કરી રહ્યો છે.
રીવ્ઝની દલીલ છે કે તેઓ ચીન સાથે લાંબાગાળાના સંબંધ ઇચ્છે છે જે આપણા રાષ્ટ્રીય હિતમાં છે. બેઇજિંગમાં કરાયેલા કરારો મુજબ આગામી પાંચ વર્ષમાં ચીન દ્વારા યુકેમાં 600 મિલિયન પાઉન્ડના રોકાણો કરાશે.
ચીન પ્રત્યે સ્ટાર્મર સરકારનો પ્રેમ જોઇને એમ લાગી રહ્યું છે કે તે ભારત કરતાં ચીનને વધુ પ્રાથમિકતા આપી રહી છે. યુકે અને ચીન વચ્ચે મજબૂત બની રહેલા આર્થિક સંબંધો ભારત સરકાર માટે પણ વિચાર માગી લે તેવો મુદ્દો બની રહ્યાં છે.