લંડનઃ રેલવેના પ્રવાસીઓને વાર્ષિક રેલવે ટિકિટ માટે સેંકડો પાઉન્ડ વધુ ચૂકવવા પડે તેવી સંભાવના છે. સરકાર ફુગાવાના દર સાથે રેલવેના ભાડા સાંકળી લેવા વિચારણા કરી રહી છે. ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટ આગામી વર્ષથી રેલવે ટિકિટના દર રિટેલ પ્રાઇસ ઇન્ડેક્સ સાથે સાંકળી લેવાની તૈયારી કરી રહ્યો છે. ગયા મહિને રિટેલ પ્રાઇસ ઇન્ડેક્સ 3.6 ટકા રહ્યો હતો.
લિબરલ ડેમોક્રેટ અને ગ્રીન પાર્ટીએ સરકારને આગામી એક વર્ષ માટે રેલવે ભાડામાં વધારો નહીં કરવાની અપીલ કરી છે. અગાઉની કન્ઝર્વેટિવ સરકાર રેલવેના ભાડા ફુગાવાના દર સાથે સાંકળી લેવાથી દૂર રહી હતી. પરંતુ હવે નવી આવેલી લેબર સરકાર આગામી વર્ષથી ફુગાવાના દર 3.6 ટકા પ્રમાણે રેલવેના ભાડામાં વધારાનો ઇનકાર કરી રહી નથી.
જો આ પ્રમાણે ભાડાંમાં વધારો કરાશે તો લંડનના 39 રૂટ માટેની સિઝન ટિકિટમાં સરેરાશ 190 પાઉન્ડ પ્રતિ વર્ષનો બોજો પડી શકે છે. કેમ્પેન ફોર બેટર ટ્રાન્સપોર્ટના આંકડા અનુસાર સૌથી વધુ 257 પાઉન્ડનો બોજો સાઉધમ્પટનથી લંડનનો પ્રવાસ કરાનારા પ્રવાસીઓ પર પડશે. તેમણે પ્રતિ વર્ષ 7405 પાઉન્ડ ચૂકવવા પડશે.