લંડનઃ બ્રિટિશ રેલવેમાં ટ્રેનો રદ થવી, મોડી પડવી, હડતાળો અને ભારે ભીડની યાતના લાખો મુસાફરો સહન કરી રહ્યા છે ત્યારે જાન્યુઆરી ૨૦૧૭થી રેલવેનાં ભાડાંમાં લગભગ બે ટકાનો વધારો થઈ રહ્યો છે, જેની જાહેરાત નેશનલ રેલ ઈન્ક્વાયરીઝ સહિતની વેબસાઈટ્સ પર કરાય છે. આ વધારાના કારણે સિઝન ટિકિટના ભાડાંમાં સરેરાશ ૪૦ પાઉન્ડ વધી જશે. વાર્ષિક સિઝન ટિકિટમાં ૨૬૦ પાઉન્ડ જેટલી રકમ વધુ ચુકવવી પડશે. જોકે, કેટલાકે તેનાથી પણ વધુ ભાડું ચુકવવાનું થશે.
રેલવે કંપનીઓ દર વર્ષે સિઝન ટિકિટ સહિતના નિયંત્રિત ભાડાંમાં જુલાઈ માટેના ફૂગાવાના આંકથી વધુ ન હોય તે રીતે વધારો કરી શકે છે. આ વર્ષે RPI ૧.૯ ટકા છે. સરેરાશ સિઝન ટિકિટમાં લગભગ ૪૦ પાઉન્ડનો વધારો થનાર છે. વેસ્ટ સસેક્સના હેવાર્ડ્સ હીથ અને લંડન વચ્ચેની વાર્ષિક ટિકિટ ૯૨ પાઉન્ડ વધીને આશરે ૪,૯૩૬ પાઉન્ડ થશે, જ્યારે બ્રાઈટનથી લંડન વચ્ચેની ટિકિટ ૮૪.૫૦ પાઉન્ડ વધીને આશરે ૪,૪૫૨ પાઉન્ડ થશે અને લીડ્ઝથી લંડન વચ્ચેની સિઝન ટિકિટ ૨૬૦ પાઉન્ડ વધીને આશરે ૧૩,૯૩૨ પાઉન્ડ થઈ જશે.
ધ કેમ્પેઈન ફોર બેટર ટ્રાન્સપોર્ટ ગ્રૂપે જણાવ્યું હતું કે ૧૯૯૫ પછી રેલવેના ભાડાંમાં ૨૩.૫ ટકાનો વધારો થયો છે અને રેલવેઝ દ્વારા લોકોની લૂંટ ચલાવાય છે. ડબાઓમાં ભારે ભીડ રહેવાથી સિઝન ટિકિટ માટે હજારો પાઉન્ડ ચુકવવા છતાં મુસાફરોએ ઉભાં રહેવાની ફરજ પડે છે. સધર્ન રેલ પર હજારો મુસાફરો મહિનાઓથી ટ્રેનો રદ થવા કે મોડી પડવાનું સહન કરી રહ્યાં છે. યુનિયનો દ્વારા અવારનવાર સ્ટ્રાઈક્સ જાહેર કરાય છે. ક્રિસમસથી નવા વર્ષના ગાળામાં પણ સ્ટ્રાઈક જાહેર થઈ છે.