રેસ્ટોરાંમાં $૨૯૦ની બોટલને બદલે ભૂલથી $૫૦૦૦નો વાઇન પીરસાયો!

માલિકે ગ્રાહકને ટેગ કરીને હળવા અંદાજમાં મૂલ્યવાન વાઈન પીવા બદલ અભિનંદન આપ્યાઃરેસ્ટોરાંએ વેઈટ્રેસનો બચાવ કર્યો

Wednesday 22nd May 2019 02:36 EDT
 
 

માન્ચેસ્ટરઃ બ્રિટિશ રેસ્ટોરાંમાં ભૂલથી ૫૦૦૦ ડોલરની કિંમતનો વાઈન પીરસવાનો મજેદાર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગ્રાહકને વાઈન પીરસવામાં એક નાનકડી ભૂલ થઈ હતી, પણ તેની કિંમતમાં જમીન-આસમાનનો ફરક હતો. માન્ચેસ્ટરના હોક્સમૂરની હોટેલના માલિકે ટ્વિટ કરી આ ઘટના જણાવી હતી. રેસ્ટોરાંએ વેઈટ્રેસના બચાવમાં બન્ને બોટલનું ચિત્ર દર્શાવી જણાવ્યું હતું કે તે લગભગ એકસરખી જ દેખાય છે.

માન્ચેસ્ટરમાં હોક્સમૂરની માન્ચેસ્ટર સ્ટીકહાઉસ એન્ડ કોકટેલ બાર રેસ્ટોરાંની વેઇટ્રેસે એક વિચિત્ર ભૂલ કરી હતી, જેનાથી રેસ્ટોરાંને ભારે નુકસાન ગયું હતું. રેસ્ટોરાંના માલિક વિલ બેકેટે ગ્રાહકને ટેગ કરીને ટ્વિટરમાં ફોટો શેર કરતા લખ્યું હતું કે ગત રાત્રે તમારી પાર્ટી ખૂબ મજેદાર રહી હશે કારણકે અમારી વેઈટ્રેસે તમને ભૂલથી ૨૯૦ ડોલરનો વાઈન પીરસવાને બદલે ૫૦૦૦ ડોલરની કિંમતનો વાઈન પીરસી દીધો હતો. માલિકે તેમની વેઈટ્રેસ ‘હોંશિયાર’ હોવાથી તેને માફ કરવાનો નિર્ણય લીધો હતો. હળવા અંદાજમાં લખાયેલી આ પોસ્ટ અને ઘટના ખૂબ વાઈરલ થઈ હતી.

ગ્રાહકે ૨૯૦ ડોલર એટલે કે લગભગ ૨૦,૦૦૦ રૂપિયાના મૂલ્યની વાઈનની બોટલ ઓર્ડર કરી હતી, પણ બંને બોટલ એકસરખી દેખાતી હોવાના કારણે મેનેજરના માધ્યમથી વેઈટરે ૫,૦૦૦ ડોલર એટલે લગભગ ૩.૫ લાખ રૂપિયાની કિંમતની Chateau le Pin Pomerol 2001 બોટલ ગ્રાહકને પીરસી દીધી હતી. જોકે, ગ્રાહકને તો આ ભૂલની જાણ જ થઈ ન હતી.

બીજા દિવસે રેસ્ટોરાં ધ્યાનમાં આ ભૂલ આવી હતી એટલે માલિકે ગ્રાહકને ટેગ કરીને હળવા અંદાજમાં મૂલ્યવાન વાઈન પીવા બદલ અભિનંદન આપ્યા હતા. આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ખાસ તો ટ્વિટર ઉપર લોકોએ મોટી સંખ્યામાં વિવિધ ટીપ્પણીઓ કરી હતી.

વાઈન જેમ જૂનો થતો જાય તેમ તેની કિંમત પણ વધતી જાય છે. ગ્રાહકને જે વાઈનની બોટલ ભૂલથી પીરસવામાં આવી હતી તે ૧૯ વર્ષ જૂની હતી એટલેકે, એ વાઈનની બોટલનું ઉત્પાદન ૨૦૦૧માં કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter