લંડનઃ આખો દિવસ ગમે તેટલું કામ કર્યું હોય પરંતુ રાત્રે ઊંઘની જરુર પડે છે. ઊંઘ સમયનો બગાડ નથી પરંતુ, મગજની અતિ સક્રિય પ્રક્રિયા હોવાનું મનાય છે ત્યારે માનવી સહિતના સજીવો માટે ઊંઘ શા માટે જરૂરી છે તે પ્રશ્ન વૈજ્ઞાનિકોને મૂંઝવતો રહ્યો છે. જોકે, યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન-મેડિસન અને જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા જર્નલ સાયન્સમાં પ્રસિદ્ધ બે અભ્યાસોએ કેટલાંક અંશે આ મૂંઝવણ દૂર કરી છે.
સંશોધકોએ ઊંઘતા ઉંદરોના મગજનું વિશ્લેષણ કરી સાબિત કર્યું હતું કે વીતેલા સમયની યાદ મગજમાંથી ભૂંસી નાંખવા માટે નિદ્રા જરૂરી છે. બન્ને અભ્યાસોમાં મગજમાં યાદ કે સ્મરણોનું સર્જન થાય છે તેવા સેરેબ્રલ કોર્ટેક્સ વિસ્તારનું વિશ્લેષણ કર્યું હતું. દરરોજ નવી યાદ ઉત્પન્ન થતી હોય ત્યારે જૂની યાદ ભૂંસવી જરૂરી બને છે.
આપણી જિંદગીનો ત્રીજો હિસ્સો અચેતાવસ્થા અને લકવાગ્રસ્ત સ્થિતિમાં વીતે છે ત્યારે આંખ બંધ થવાની સ્થિતિમાં શું થાય છે તેની મૂંઝવણ વિજ્ઞાનીઓને હતી. દિવસના ૧૮ કે તેથી વધુ કલાકની જાગ્રતાવસ્થામાં અનેક વાતચીતો, હકીકતો, તસ્વીરો કે જોવાયેલાં દૃશ્યોથી મગજના ન્યુરોન્સને સાંકળતા કનેક્શન્સ (સીનેપ્સ) તંગ હાલતમાં રહી ભરાઈ જાય છે. ઊંઘ આ સાંકળને સંકોચીને ઢીલી બનાવે છે, જેના પરિણામે નકામી યાદો ભૂંસાઈ મગજ કોરી સ્લેટ જેવું બને છે.
યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન-મેડિસનના સંશોધકો ગિયુલિઓ ટોનોની અને શિયારા સિરેલીના ૧૩ વર્ષના અભ્યાસમાં જણાયું હતું કે ઉંદરોની ઊંઘ દરમિયાન મગજના કોષોને સાંકળતા સીનેપ્સ ૧૮ ટકા જેટલાં સંકોચાયા હતા. આ જ સીનેપ્સ જાગ્રતાવસ્થામાં ફરી વધ્યાં હતાં અને રાત્રિ દરમિયાન ફરી સંકોચાયા હતાં. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધનમાં આ પરિસ્થિતિનો બાયોકેમિકલ ખુલાસો આપવામાં આવ્યો હતો. અગાઉ, નોર્વેની યુનિવર્સિટી ઓફ ફ્રેઈબર્ગના સંશોધનમાં ૧૯-૨૫ વયજૂથના વિદ્યાર્થીઓ પર આ વિશે અભ્યાસમાં પ્રસ્થાપિત કરાયું હતું કે ઊંઘ ન મળે ત્યારે લોકો સારી રીતે વિચારી શકતાં નથી અને ચીડાયેલાં રહે છે કારણકે તેમના સીનેપ્સ ભરાયેલા અને તંગ હાલતમાં હોય છે