લંડનઃ ભારત અને યુકે વચ્ચે સહકાર વધી રહ્યો છે. 3 ડિસેમ્બર 2024ના રોજ નવી દિલ્હી ખાતે બંને દેશ વચ્ચે ટુ પ્લસ ટુ ફોરેન એન્ડ ડિફેન્સ ડાયલોગનું આયોજન કરાયું હતું જેમાં બંને દેશ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનાવવા વ્યાપક મુદ્દાઓ પર ચર્ચા કરાઇ હતી. હાલ રશિયા અને યુક્રેન, ઇઝરાયેલ અને હમાસ-હિઝબુલ્લા તેમજ સીરિયામાં ચાલી રહેલા સંઘર્ષોને ધ્યાનમાં રાખતા આ મંત્રણા અત્યંત મહત્વની ગણી શકાય.
મંત્રણા દરમિયાન બંને દેશના પ્રતિનિધિમંડળોએ ઇન્ડિયા-યુકે રોડમેપ 2030 પર થઇ રહેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. આ ચર્ચા બદલાતા વિશ્વમાં સહકારના નવા ક્ષેત્રો ચકાસવા પર કેન્દ્રિત હતી. બંને દેશ મુક્ત વેપાર કરાર અને આર્થિક સંબંધોને ટોચની પ્રાથમિકતા આપી રહ્યાં છે. બંને દેશ સંરક્ષણ ક્ષેત્રે સહકાર, સાયબર સિક્યુરિટી, આતંકવાદ અને પ્રાદેશિક સ્થિરતા માટે પણ સહકાર વધુ મજબૂત બનાવી રહ્યાં છે.
ભારત અને યુકે વચ્ચે ડિફેન્સ ટેકનોલોજીમાં સહકાર વધી રહ્યો છે. તાજેતરમાં જ બંને દેશ નેવી જહાજો માટેની ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ વિકસાવવા માટે કરાર કરી ચૂક્યાં છે. બંને દેશે ઇન્ડો-પેસિફિક સેક્ટરમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.