લંડનઃ રોયલ મેઇલ દ્વારા સમગ્ર દેશના શહેરો અને ટાઉન્સમાં પોસ્ટલ સેવાઓમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે. બ્રિસ્ટોલ, કાર્ડિફ, કોવેન્ટ્રી, ડાર્લિંગ્ટન, હલ, લંડન, નોટ્ટિંગહામ, સેલિસબરી અને વિન્ચેસ્ટરમાં શનિવારે સેકન્ડ ક્લાસ પોસ્ટની ડિલિવરી બંધ કરવામાં આવી રહી છે. એન્ટ્રિમ, સ્ટોકટન ઓન ટીઝ, હેક્સહામ અને સ્કનથોર્પેમાં પણ પોસ્ટની સેવાઓ પર અસર પડી છે.
રોયલ મેઇલ દ્વારા 6 મહિના ટ્રાયલ બેઝ પર કામ કરાશે જે અંતર્ગત એક લાખ પરિવારોને દર બીજા કામના દિવસે સેકન્ડ ક્લાસ પોસ્ટ મળી જાય તેવો પ્રયાસ કરાશે. જો કે હાલનું સર્વિસ લેવલ જળવાશે નહીં તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઓફકોમ દ્વારા શનિવારે સેકન્ડ ક્લાસ પોસ્ટની ડિલિવરી બંધ કરવાની પરવાનગી અપાય તે પહેલાં જ આ બદલાવ શરૂ કરી દેવાયો છે.
આ પહેલાં રેગ્યુલેટરે જણાવ્યું હતું કે, શનિવારે સેકન્ડ ક્લાસ પોસ્ટની ડિલિવરી બંધ કરવાથી રોયલ મેઇલ તેની વ્યાપક જવાબદારીમાં સુધારો કરી શકશે, બચત કરી શકશે અને તેના સ્ત્રોતોનો ઉપયોગ પાર્સલની ડિલિવરીમાં ફાળવી શકશે.
સિલ્વર વોઇસિસ સોસાયટી ફોર સીનિયર સિટિઝન્સના ડિરેક્ટર ડેનિસ રીડે આરોપ મૂક્યો હતો કે, રોયલ મેઇલના અધિકારીઓ બ્રિટિશ પોસ્ટલ સર્વિસનું ધોરણ નીચું લઇ જવા માગે છે. તેઓ ઓફકોમની પરવાનગી વિના જ કથિત ટ્રાયલ હાથ ધરી રહ્યાં છે. આ ટ્રાયલ સફળ થવાની નથી. સરકાર આપણી વિશ્વકક્ષાની પોસ્ટલ સેવાને નબળી બનાવવા માગે છે.
રોયલ મેઇલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે નવા વર્ષમાં 1200માંથી 37 ડિલિવરી ઓફિસમાં નવું ડિલિવરી મોડેલ લાગુ કરી રહ્યાં છીએ. તેનો પ્રારંભ ફેબ્રુઆરીથી કરાશે અને ત્યારબાદના મહિનાઓમાં અન્ય જગ્યાએ અમલ કરાશે.