લંડનઃ રેગ્યુલેટર ઓફકોમ દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ અંતર્ગત રોયલ મેઇલની સેવાઓની જવાબદારીમાં ધરમૂળથી બદલાવ કરતાં સેકન્ડ ક્લાસ લેટર્સની શનિવારે થતી ડિલિવરી રદ કરી દેવાશે. જો કે ફર્સ્ટ ક્લાસ લેટર્સની ડિલિવરી સપ્તાહના 6 દિવસ કરાશે. ઓફકોમે જણાવ્યું હતું કે, સાર્વત્રિકતા, ઉપલબ્ધતા અને એકસમાન કિંમતના મૂળભૂત સિદ્ધાંતને મજબૂત સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે.
ઓફકોમે જણાવ્યું હતું કે, જો રોયલ મેઇલની સેવાઓને યથાવત, વ્યાજબી અને આધારભૂત રાખવી હશે તો તેની જવાબદારીઓમાં સુધારા કરવા પડશે. રોયલ મેઇલ દ્વારા તેની કામગીરી અંગે સંખ્યાબંધ સૂચનો કરાયાં છે. રોયલ મેઇલને આર્થિક રીતે ભાંગી પડતી બચાવવા માટે સુધારાને મંજૂરી આપવા રોયલ મેઇલ દ્વારા સરકાર પર પણ દબાણ થઇ રહ્યું છે. આ વર્ષે પણ ડિલિવરીમાં ધાંધિયાના કારણે રોયલ મેઇલ પર જંગી પેનલ્ટી તોળાઇ રહી છે.
રોયલ મેઇલના ઉચ્ચ અધિકારી માર્ટિન સીડેનબર્ગે જણાવ્યું હતું કે, રોયલ મેઇલને બચાવવા માટે તેની સેવાઓમાં બદલાવ કરવા જ પડશે. હવે રોયલ મેઇલમાં આવતા લેટર્સની સંખ્યા 20 બિલિયનથી ઘટીને 6.7 બિલિયન પર આવી ગઇ છે. તેનો અર્થ એ થયો કે દેશમાં સરેરાશ પરિવાર સપ્તાહના ફક્ત 4 લેટર્સ પ્રાપ્ત કરે છે.
7 ઓક્ટોબરથી ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પ માટે 1.65 પાઉન્ડ ચૂકવવા પડશે, સેકન્ડ ક્લાસ સ્ટેમ્પની કિંમત 85 પેન્સ પર યથાવત
લંડનઃ એક તરફ સેવાઓમાં કાપ મૂકી રહેલી રોયલ મેઇલ દ્વારા ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમતમાં 30 પેન્સના વધારાની જાહેરાત કરાઇ છે. 7 ઓક્ટોબરથી ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમત 1.65 પાઉન્ડ ચૂકવવી પડશે. જોકે સેકન્ડ ક્લાસ સ્ટેમ્પની કિંમત 85 પેન્સ પર યથાવત રખાઇ છે. રોયલ મેઇલે આ ભાવ વધારા માટે આર્થિક પડકારોનું કારણ આપ્યું છે.
આ પહેલાં એપ્રિલ 2024માં ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ સ્ટેમ્પની કિંમતમાં 10 પેન્સનો વધારો કરાયો હતો. રોયલ મેઇલે જણાવ્યું હતું કે લેટર્સની ઘટી રહેલી સંખ્યા, ફુગાવાના દબાણ અને સપ્તાહમાં 6 દિવસ ડિલિવરી કરવાની જવાબદારીના કારણે સર્જાયેલા પડકારોને પહોંચી વળવા અમે શક્ય એટલો ઓછો ભાવ વધારો કર્યો છે.