લંડનઃ રોયલ મેઇલ દ્વારા બીજી એપ્રિલથી ફરી એકવાર સ્ટેમ્પની કિંમતોમાં વધારો કરાયો છે. સ્ટેમ્પની કિંમતોમાં આ વર્ષમાં ત્રીજો વધારો છે. સ્ટાન્ડર્ડ સાઇઝ લેટર્સ માટે ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમત 10 પેન્સ સુધી વધારવામાં આવી છે જ્યારે લાર્જ લેટર્સ માટેની ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમત 15 પેન્સ વધારવામાં આવી છે. સ્ટાન્ડર્ડ સાઇઝ લેટર્સ માટેની સેકન્ડ ક્લાસ સ્ટેમ્પમાં 10 પેન્સનો વધારો કરાયો છે જ્યારે લાર્જ સાઇઝ લેટર્સની સેકન્ડ ક્લાસ સ્ટેમ્પની કિંમત યથાવત રખાઇ છે.
છેલ્લા 12 મહિનામાં સ્ટેમ્પની કિંમતોમાં આટલો જ ભાવવધારો કરાયો હતો. એપ્રિલ 2023માં સ્ટાન્ડર્ડ ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમત 16 ટકા સુધી વધારાઇ હતી. ઓક્ટોબર 2023માં વધુ 14 ટકા કિંમત વધારાઇ હતી. તેનો અર્થ એ થયો કે છેલ્લા એક વર્ષમાં રોયલ મેઇલ દ્વારા સ્ટેમ્પની કિંમતમાં 42 ટકાનો વધારો કરાયો છે.
રોયલ મેઇલના વરિષ્ઠ અધિકારીઓ આ ભાવ વધારાને વ્યાજબી ઠેરવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે કર્મચારીઓની હડતાળ અને ટપાલ ડિલિવરીના ખર્ચમાં વધારો જેવા કારણો ભાવવધારા માટે જવાબદાર છે.
ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પ ( સ્ટાન્ડર્ડ સાઇઝ લેટર્સ) – 1.25 પાઉન્ડથી વધારીને 1.34 પાઉન્ડ
ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પ ( લાર્જ લેટર્સ) – 1.95 પાઉન્ડથી વધારીને 2.10 પાઉન્ડ
સેકન્ડ ક્લાસ સ્ટેમ્પ ( સ્ટાન્ડર્ડ સાઇઝ લેટર્સ) – 75 પેન્સથી વધારીને 85 પેન્સ
સેકન્ડ ક્લાસ સ્ટેમ્પ (લાર્જ સાઇઝ લેટર્સ) – 1.55 પાઉન્ડ પર યથાવત