લંડનઃ ઓફકોમ દ્વારા રજૂ કરાયેલી યોજના અંતર્ગત રોયલ મેઇલને સેકન્ડ ક્લાસ લેટર્સની શનિવારે ડિલિવરી બંધ કરવા અને સપ્તાહના દિવસોમાં આ સેવા આંતરા દિવસે જારી રાખવાની પરવાનગી અપાશે. ઓફકોમે જણાવ્યું હતું કે, આ પગલાંના કારણે રોયલ મેઇલની સ્થિતિ સુદ્રઢ બનશે અને તે ટપાલનું ભાવિ સુરક્ષિત કરી શકશે કારણ કે મોટાભાગના લોકો માટે પોસ્ટ સેવા અત્યંત મહત્વની છે. ફર્સ્ટ ક્લાસ ડિલિવરી સપ્તાહના 6 દિવસ કરાશે.
ઓફકોમના ગ્રુપ ડિરેક્ટર નાતાલી બ્લેકે જણાવ્યું હતું કે, વિશ્વ બદલાઇ ગયું છે. અમે આજે 20 વર્ષ પહેલાં મોકલાતા હતા તેના કરતાં ત્રીજા ભાગના લેટર્સની ડિલિવરી કરી રહ્યાં છીએ. પોસ્ટલ સેવાનું ભાવિ સુરક્ષિત રાખવા તેમાં સુધારાની જરૂર છે.
બીજીતરફ સેકન્ડ ક્લાસ સ્ટેમ્પની પ્રાઇસ કેપ યથાવત રહેશે. ઓફકોમે જણાવ્યું હતું કે, લોકો દર વર્ષે ઓછા લેટર્સ મોકલી રહ્યાં છે તેમ છતાં સ્ટેમ્પની કિંમતો વધી રહી છે. તેથી રોયલ મેઇલમાં સુધારાની આવશ્યકતા છે. રેગ્યુલેટર રોયલ મેઇલના ડિલિવરી ટાર્ગેટ ફર્સ્ટ ક્લાસ મેઇલ માટે 93 ટકાથી ઘટાડીને 90 ટકા અને સેકન્ડ ક્લાસ મેઇલ માટે 98.5 ટકાથી ઘટાડીને 95 ટકા કરવાની તૈયારી પણ કરી રહ્યાં છે. ઓફકોમનું માનવું છે કે આ પગલાંથી રોયલ મેઇલ અન્ય યુરોપિયન અને ઇન્ટરનેશનલ માર્કેટ સાથે તાલ મિલાવી શકશે.
રોયલ મેઇલના ધાંધિયાથી અમારી સાથે વાચકો પણ પરેશાન
પોતાનો નફો વધારવાની લાહ્યમાં રોયલ મેઇલ દ્વારા ગ્રાહક સેવાને તાક પર ચડાવવામાં આવી રહી છે જેના કારણે ગુજરાત સમાચાર-એશિયન વોઇસનું વ્યવસ્થાતંત્ર અને તેના વાચકો પણ પરેશાન થઇ રહ્યાં છે. આમ પણ ડિલિવરી લક્ષ્યાંક હાંસલ કરવામાં પાછળ રહેવાના કારણે અમારા અંક વાચકો સુધી સમયસર પહોંચી શક્તાં નહોતાં. તેમાં વળી હવે સેકન્ડ ક્લાસ મેઇલની શનિવારે ડિલિવરી બંધ કરવા અને આંતરા દિવસે જ ડિલિવરી કરવા જેવા ગતકડાં અમલી બનાવવામાં આવી રહ્યાં છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસની એડિશન મંગળવારે તૈયાર થઇને પ્રિન્ટિંગમાં ચાલી જાય છે. બુધવારે તેની પોસ્ટિંગ પ્રક્રિયા પણ આટોપી લેવામાં આવે છે પરંતુ રોયલ મેઇલના ધાંધિયાના કારણે અમારા અંક વાચકો સુધી સમયસર પહોંચતા નથી. અમારા કેટલાક વાચકો દ્વારા આ અંગે નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ અમે તંત્રની આ બલિહારીના કારણે લાચાર બનીને જોઇ રહ્યાં છીએ.