લંડનઃ રોલ્સરોયસનું ઈલેક્ટ્રિક વ્હિકલ સ્પિરિટ ઓફ ઈનોવેશન વિશ્વનું સૌથી ઝડપી ઈલેક્ટ્રિક વ્હીકલ એરક્રાફ્ટ બન્યું છે. તેણે પ્રતિ કલાક ૬૨૩ કિ.મી.ની ટોપ સ્પીડ નોંધાવી છે. કંપનીનું આ એરક્રાફ્ટ ત્રણ કિ.મી.ના અંતરમાં ૫૫૫.૯ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉડવામાં સફળ રહ્યું. આ સાથે આ વિમાને સીમેન્સના નવા ઈલેક્ટ્રિક વિમાન એકસ્ટ્રા ૩૩૦ એલઈને એરોબેટિકનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે. સીમેન્સના આ વિમાને ૨૦૧૭માં પ્રતિ કલાક ૨૩૧.૦૭ કિ.મી.ની ઝડપે ઉડાન ભરી હતી.
સૌથી ઓછા સમયમાં ઊંચે પહોંચવાનો રેકોર્ડ
રોલ્સરોયસના આ વિમાને બ્રિટનના સંરક્ષણ મંત્રાલયની બોસ્કોમ્બ ડાઉનની એરક્રાફ્ટ ટેસ્ટિંગ સાઇટ પર ૧૫ કિ.મી. સુધી ૫૩૨.૧ કિ.મી.ની ઝડપે ઉડાન કર્યું હતું. તેની સાથે ખાસ વાત એ છે કે આટલા ઓછા સમયમાં ૩૦૦૦ મીટર સુધીની ઊંચાઈ પર પહોંચવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.
વિક્રમજનક પર્ફોમન્સ દરમિયાન આ વિમાનની મહત્તમ ઝડપ પ્રતિ કલાક ૬૨૩ કિ.મી.ની રહી. આ ઝડપના લીધે તે વિશ્વનું સૌથી ઝડપી ઊડતું ઈલેક્ટ્રિક વિમાન બનવામાં સફળ રહ્યું. આ વિમાન દ્વારા બનાવવામાં આવેલા રેકોર્ડને ફેડરેશન ઓફ એવિયેશને પણ વેરીફાઈ કરી સમર્થન આપ્યું છે.
ઈલેકટ્રિક બેટરીથી ૫૦૦ હોર્સપાવર
આ પર્ફોમન્સ દરમિયાન સ્પિરિટ ઓફ ઈનોવેશન ૪૦૦ કિલોવોટ ઈલેક્ટ્રિક પાવરથી સજ્જ બેટરીનો ઉપયોગ કર્યો. આ મોટર ૫૦૦ હોર્સપાવર સુધીનો પાવર પેદા કરે છે. તેનું પાવર ડેન્સ પ્રોપલ્ઝન બેટરી પેક ૬૪૦૦ સેલ્સનું બનેલું છે. આ બેટરીની ક્ષમતાને સરળતાથી સમજવી હોય તો એમ કહી શકાય કે તેના વડે ૭૫૦૦ સ્માર્ટફોન રિચાર્જ કરી શકાય છે. આ સિસ્ટમના લીધે પ્રોપેલર્સ ૨૨૦૦ આરપીએમની ઝડપે ફરે છે. અને આ ઝડપ વોશિંગ મશીનના હાઈસ્પીન કરતાં બમણી છે. આ મહાકાય બેટરી ગરમ ન થઈ જાય તે માટે સ્પિરિટ ઓફ ઈનોવેશને થર્મલ પ્રોટેક્શનના ફીચર્સ વિક્સાવ્યા છે.
ભાવિ ટેકનોલોજી માટે પથદર્શક
રોલ્સરોયસ માને છે કે આ પ્રોજેક્ટ ભાવિ ટેકનોલોજી માટે પથદર્શક સાબિત થઈ શકે છે. નજીકના ભવિષ્યમાં એરટેક્સીઓ માટે પણ આ પ્રોજેક્ટ મહત્ત્વનો નીવડી શકે છે. કંપનીએ જણાવ્યું હતું કે આ શાનદાર ટેકનિકલ સિદ્ધિ દ્વારા પ્રોજેક્ટ અને તેનો મહત્ત્વનો ડેટા ઓલ ઈલેક્ટ્રિક અર્બન એર મોબિલિટી અને હાઈબ્રિડ ઈલેક્ટ્રિક કમ્પ્યુટર એરક્રાફ્ટ માટેની અમારી ભાવિ ઈલેક્ટ્રિક પાવર અને પ્રોપલ્ઝન સિસ્ટમ્સ માટે મહત્ત્વની વિગતો પૂરી પાડી શકે છે. આ પ્રોજેક્ટ માટે રોલ્સરોયસે એનર્જી સ્ટોરેજ સ્પેશ્યાલિસ્ટ યાસા સાથે ભાગીદારી કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે આ પ્રોગ્રામ માટે તૈયાર કરવામાં આવેલી એડવાન્સ બેટરી અને પ્રોપલ્ઝન ટેકનોલોજીનો એડવાન્સ્ડ એર મોબિલિટી માર્કેટમાં મોટાપાયા પર ઉપયોગ કરવામાં આવે છે. ઈલેક્ટ્રિક ફ્લાઈટની સફળતા દર્શાવે છે કે ભવિષ્યમાં આ પ્રકારની ટેકનોલોજી આપણા દૈનિક જીવનનો હિસ્સો બની શકે છે.