લંડનઃ ભારત અને યુકેએ એર સર્વિસ એગ્રિમેન્ટમાં સુધારો કરતાં હવે બંને દેશની એરલાઇન્સ પ્રતિ સપ્તાહ વધારાની 14 ફ્લાઇટ લંડનથી નવી દિલ્હી અને મુંબઇ માટે ઓપરેટ કરી શકશે. ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને યુકેના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ વચ્ચે 1 મેના રોજ આ સંદર્ભના એમઓયુ પર હસ્તાક્ષર કરાયાં હતાં.
યુકેના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટે જણાવ્યું હતું કે, સુધારેલા એગ્રિમેન્ટના પગલે આગામી શિયાળાથી બંને દેશની એરલાઇન્સ કંપનીઓ લંડનના હિથ્રો વિમાનીમથકથી નવી દિલ્હી અને મુંબઇ માટેની ફ્લાઇટ 56થી વધારીને 70 પ્રતિ સપ્તાહ કરી શકશે. જોકે કેટલી સંખ્યામાં વધારાની ફ્લાઇટ ઓપરેટ કરવી અને તેનો સમય શું રહેશે તેનો નિર્ણય એરલાઇન્સ કંપનીઓ પર છોડી દેવાયો છે.
ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, દર મહિને ભારત અને યુકે વચ્ચે અંદાજિત 3 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે અને બંને દેશ વચ્ચે ગૂડ્સ અને સર્વિસમાં કુલ ટ્રેડ 2023માં 39 બિલિયન પાઉન્ડનો રહ્યો હતો. ફ્લાઇટની સંખ્યામાં વધારો થતાં બંને દેશ વચ્ચેના વેપારને પણ વેગ મળશે. વેપાર અને પ્રવાસનને વેગ મળતાં બંને દેશ વચ્ચેના સંબંધો પણ મજબૂત થશે.