અમદાવાદ ખાતેના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોમવારે સવારે ૪.૩૦ વાગ્યે એરઇન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઇનર એરક્રાફટે લંડન તરફ ટેક અોફ કર્યું એ સાથે જ બ્રિટનવાસી ગુજરાતીઅોએ અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફલાઈટનું વર્ષો સુધી જોયેલું સ્વપ્ન સાકાર થયું છે. અમદાવાદ-લંડનની સીધી ફલાઇટ માટે લગભગ દશેક વર્ષથી ઝુંબેશ ચાલતી હતી. લંડનના "ગુજરાત સમાચાર-એશિયન વોઇસ" સાપ્તાહિકો દ્વારા પાના ભરી ભરીને દર અઠવાડિયે અા ઝુંબેશ માટે પીટીશન ફોર્મ પ્રસિધ્ધ થતાં હતાં. અા અખબારોના નેતૃત્વમાં અા ઝુંબેશને અન્ય સંસ્થાઅોના સહકાર સાથે ભારે લોકઅાવકાર સાંપડ્યો. એના તંત્રી સી.બી. પટેલે ગુજરાતથી માંડી કેન્દ્ર સરકાર સુધી અા લોકમાંગની અાહલેક જગાડી. તાજેતરમાં લંડન અાવેલા વડાપ્રધાને પણ વેમ્બલીના ફૂટબોલ સ્ટેડીયમ ખાતે જગજાહેર કરતાં કહ્યું હતું કે, “મારા મિત્ર સી.બી. પટેલ લંડન-અમદાવાદની ડાયરેકટ ફલાઇટ માટે દર વર્ષે મારું ગળું પકડતા હતા.” એવો ઉલ્લેખ કરી વડાપ્રધાને ૧૫ ડિસેમ્બરથી લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફલાઇટ શરૂ થવાની જાહેરાત કરતાં સૌએ અાનંદવિભોર બની સ્ટેડીયમ ગજાવ્યું હતું.” ૧૫ ડિસેમ્બરે અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની ૬૫મી પૂણ્યતિથિએ વડાપ્રધાન મોદીજીએ અમદાવાદ-લંડનની ડાયરેક્ટ ફલાઇટનો અારંભ કરાવી સૌને અાનંદિત કરી દીધા છે. રનવે ઉપર લંડન જતી ફલાઇટને વિધિવત્ રીતે "વોટર કેનન" વડે સેલ્યૂટ અાપી હતી. અમદાવાદથી નીકળેલી અા ફલાઇટે મંગળવારે બપોેરે ૧૨.૨૧ વાગ્યે હીથરો પર લેન્ડીંગ કર્યું હતું.
લંડન-હીથરોના ટર્મીનલ-૪ ઉપર મંગળવારે (૧૫ ડીસેમ્બરે) સવારથી જ ચહલપહલ શરૂ થઇ ગઇ હતી. દુનિયાભરમાં જતી ફલાઇટોના ચેકીંગ ડેસ્ક સાથે અલગ તરી અાવતા એરઇન્ડિયાના ડેસ્ક રંગીન તોરણ અને બલૂન્સથી શોભતાં હતાં. લંડનથી અમદાવાદ જતી એરઇન્ડિયાની ફલાઇટમાં જવા ઉત્સુક પ્રવાસીઅો એમાંય ખાસ કરીને વૃધ્ધ અને નાના બાળકો સાથે સફર કરનારાઅોના ચહેરા પર પ્રસન્નતા વર્તાતી હતી. અા તકે ટર્મીનલ ઉપર ખાસ ઉપસ્થિત એરઇન્ડિયાનાં યુ.કે. અને યુરોપનાં રીજીયોનલ મેનેજર તારા નાયડુએ અાપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું કે, “અાજથી લંડન-અમદાવાદની અા ફલાઇટ શરૂ થતાં અમે સૌ ખૂબ ખુશ છીએ. હાલના તબક્કે એરઇન્ડિયાના અા ડ્રીમલાઇનર વિમાન વાયા મુંબઇ થઇને જશે. એમાંથી પ્રવાસીઅોને ઉતરવું પડશે નહિ. અા જ ડ્રીમલાઇનર વિમાન સીધું અમદાવાદ લેન્ડ થશે. લંડનથી અમદાવાદ જનારા પ્રવાસીઅોની સંખ્યા બહુ જ છે એ જોતાં અમે બહુ જલ્દી લંડનથી સીધી જ અમદાવાદ જતી (વાયા કે કયાંય રોકાણ વગર) સીધી ફલાઇટ શરૂ કરીશું. એનો પ્રોસેસ અત્યારે ચાલુ જ છે. અાજની અા ફલાઇટમાં ઇકોનોમિ અને બીજનેસ કલાસ ફુલ થઇ ગયો છે એનો અમને અાનંદ છે. સિનિયર સીટીઝન્સ એરઇન્ડિયામાં જવાનું વધુ પસંદ કરે છે. અમદાવાદ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોમવારે વહેલી સવારે ૪.૩૦ વાગ્યે ફલાઇટ ઉપડી ત્યારે શ્રીગણેશ સાથે રન વે ઉપર વોટર કેનન વડે સેલ્યૂટ અાપવામાં અાવી હતી. લંડનથી જતી ફલાઇટમાં દરેક પ્રવાસીને મિઠાઇ અાપવામાં અાવશે.”
તારા નાયડુએ લંડન-અમદાવાદની સીધી ફલાઇટ માટે અવિરત ઝુંબેશ કરનાર 'ગુજરાત સમાચાર-એશિયન વોઇસ'ના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલને અભિનંદન પાઠવી એમની લોકસેવાને બિરદાવી હતી. ટર્મીનલ-૪ ઉપર રેડિયો, ટી.વીના પ્રવક્તાઅોએ પણ એરઇન્ડિયાના સૂત્રધારો અને સી.બી પટેલનો લાઇવ ઇન્ટરવ્યુ કર્યો હતો.
હીથરો એરપોર્ટ મેનેજર પ્રતિક મઝુમદાર, અાસીસ્ટંટ એરપોર્ટ મેનેજર શ્રી દીવાકર મની, એરઇન્ડિયાનાં કોર્પરેટ સેલ્સ એન્ડ પી.અાર પૌલા છત્રાજ, સેલ્સ એન્ડ માર્કેટીંગનાં શકીલા લાંબે સહિત એરઇન્ડિયાના સૌ કર્મચારીઅો ઉપસ્થિત હતા. તેઅો સૌ ખૂબ ઉત્સુક અને પ્રસન્ન જણાતા હતા. પ્રતિક મઝુમદારે જણાવ્યું કે, “લંડનમાં ગુજરાતીઅોની વસ્તી મોટી સંખ્યામાં છે. લંડન-અમદાવાદની અા ફલાઇટને ખૂબ અાવકાર મળી રહ્યો છે. વાયા દિલ્હી કે મુંબઇ જતી એરઇન્ડિયાની ફલાઇટોમાં ગુજરાત જનારા પ્રવાસીઅોની સંખ્યા વધુ હોય છે. અમદાવાદ- લંડન-અમદાવાદની ફલાઇટનો રૂટ શરૂ થતાં એર ઇન્ડિયાને ખૂબ ફાયદો થશે એવી મને અાશા છે.”
લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફલાઇટની ઝુંબેશને વેગવંતી બનાવવામાં ખૂબ સહયોગ અાપનાર મનોજ લાડવા પણ લંડનથી અમદાવાદ જતી ફલાઇટમાં ગુજરાત ગયા છે. મનોજ લાડવાએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, “લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફલાઇટ માટે અાપણે સૌએ લાંબા સમય સુધી લડત અાદરી હતી. એક સમયે અાપણે હિંમત હારી ગયા હતા પરંતુ અાપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇના અાદેશથી અા કાર્ય સિધ્ધ થયું છે. અાજે સરદાર પટેલની પૂણ્યતિથિ છે. એમણે રજવાડાંઅોમાં વહેંચાયેલા હિન્દુસ્તાનનું એકીકરણ કરી અખંડ ભારતની ભેટ અાપી છે. અાજે એમનું સ્મરણ કરી અંજલિ અાપીએ. અાજે ટર્મીનલ પર એક ઉત્સવ જેવું વાતાવરણ સર્જાયું છે. અા ડાયરેક્ટ ફલાઇટથી વૃધ્ધ વડીલોને ખૂબ રાહત રહેશે. અાપણે ઇચ્છીએ કે અમદાવાદની જેમ ચેન્નાઇ, હૈદ્રાબાદ, કોલકત્તા પણ ડાયરેક્ટ ફલાઇટ વડે લંડન સાથે સીધું જોડાણ કરે. કારણ કે અાપણે ટ્રાન્સપોર્ટની સુવિધા પૂરી પાડીએ તો બે દેશો વચ્ચે વેપાર-વ્યવસાય વધે અને સાંસ્કૃિતક દ્રષ્ટિએ પણ પ્રચાર-પ્રસાર થઇ શકે. લંડનથી ફૂલ ગુજરાતી પેસેન્જરો સાથે જતી અા ફલાઇટમાં ઢેબરાં-ઢોકળાં, શીખંડ-પૂરી ને દાળ-ભાત પીરસાય એવી મનોજભાઇએ અાશા વ્યક્ત કરી હતી.”
લંડનથી જતી ફલાઇટ-એરઇન્ડિયા બોઇંગ AI 130 ડ્રીમલાઇનરના કમાંડર કેપ્ટન ચાણક્યએ કહ્યું કે, “વર્ષો પછી અાપણા લોકોની માંગ પૂરી થઇ છે. એરઇન્ડિયાના ડ્રીમલાઇનર એરક્રાફ્ટમાં સૌ પ્રવાસીઅો અારામદાયક સફર કરશે એની મને ખાતરી છે.”
અાસીસ્ટંટ અોફિસર કરણ શાહે જણાવ્યું કે, “ગુજરાત એ મારું ઘર છે. મારા વડીલ સ્નેહીજનો વગર તકલીફે સીધા અમદાવાદ પહોંચશે એથી વિશેષ મારા માટે શું હોઇ શકે!” કેબીન ઇન્ચાર્જ અાર્મિન પટેલે જણાવ્યું કે, “ગુજરાતીઅો માટે તો અાજે સોનાનો સૂરજ ઉગ્યો છે. લંડનથી ભારત જતા અાપણા ગુજરાતી પ્રવાસીઅો ખાસ કરીને વ્હીલચેરવાળા વડીલોને વાયા થઇને જતી ફલાઇટોમાં વેઠવી પડતી મુશીબતોનો અંત અાવી ગયો એથી વડીલો તો ખૂબ ખુશ થશે.”
મંગળવારે બપોરે ૧.૩૦ કલાકે લંડનથી જતી ફલાઇટમાં પ્રવાસ કરનાર કેટલાક વડીલો અને ભાઇ-બહેનોના પ્રતિભાવ જાણવા અમે પ્રયાસ કર્યો હતો. એમાં વેમ્બલીથી અમદાવાદ જનાર ઇન્દીરાબેન કનુભાઇ પટેલ અને કનુભાઇ અંબાલાલ પટેલે અાનંદ વ્યક્ત કરતાં કહ્યું કે, “અમે તો પાંચેક મહિના પહેલાં એરઇન્ડિયાનું બુકીંગ કરાવ્યું હતું પણ મોદી સાહેબે વેમ્બલી સ્ટેડીયમમાં ૧૫ ડિસેમ્બરે ડાયરેક્ટ ફલાઇટની જાહેરાત કરી ત્યારે અમે ત્યાં અાનંદથી ઝુમી ઊઠ્યાં હતાં. અા ફલાઇટમાં સ્લાવમાં રહેતાં વત્સલાબેન કિરીટભાઇ પટેલ અને કિરીટભાઇ ગોરધનભાઇ પટેલ, બ્રિસ્ટલનાં ચંદ્રિકાબેન સિધાપુરા એમના બે બાળકો નવ વર્ષનો દીકરો યુગ અને ૨૦ મહિનાના અંશ સાથે પહેલીવાર અમદાવાદ ગયાં છે. ટૂટીંગથી રમીલાબેન અને ભદ્રેશભાઇ પટેલે અમદાવાદ જવાની ખુશાલી વ્યક્ત કરતાં કહ્યું કે, “અમારી તો વાયા દિલ્હી ફલાઇટ હતી પણ અમને તો કાઉન્ટર ઉપર અા ડાયરેક્ટ ફલાઇટમાં જવાનો અવસર મળ્યો છે એથી અમે ખૂબ એક્સાઇટ છીએ” કીંગ્સબરીમાં દુકાન ધરાવતા અાકાશ પારેખ અને રવિ પારેખ એમના સ્નેહીજન અશોકભાઇ પારેખને મૂકવા અાવ્યા હતા. અા યુવાનોએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, “મોદીસાહેબે અા બહુ સરસ ભેટ અાપી છે. અાપણા લંડનવાસીઅો માટે તો ગૌરવ લેવા જેવું છે. હવે ગુજરાત જનારા પ્રવાસીઅોનો પ્રવાહ વધશે અને વેપાર-વાણિજ્યને પણ ભારે વેગ મળશે.” માંચેસ્ટરથી ૮૦ વર્ષનાં ઇન્દિરાબેન મફતલાલ પટેલ અને એમની બે દીકરીઅો અંજુબેન અને મીનાબેન સીધાં અમદાવાદ જઇ રહ્યાં હતાં. હર્ડફોર્ડશાયરનાં હંસાબેન ચાવડા અહીં વીઝીટર તરીકે એમના દીકરા નિરવને ત્યાં અાવ્યા હતા. નિરવભાઇએ કહ્યું કે, “મારી મમ્મી એરઇન્ડિયામાં વાયા દિલ્હી થઇને અાવી હતી પણ સામાન લેવામાં અને સિકયુરીટી પસાર કરવામાં ખૂબ તકલીફ વેઠવી પડી હતી.”
ધીમન્તભાઇ જાનીએ કહ્યું કે, “મોદીસાહેબે બહુ સરસ કર્યું. હું તો ઇચ્છું છું કે વીકની રોજની ફલાઇટ શરૂ થવી જોઇએ.”. ટોટનહામનાં કુસુમબેન ઇન્દ્રવદનભાઇ પટેલે કહ્યું કે, “બહુ સરસ થયું. સી.બી. પટેલે અા ઝુંબેશ કરી અને મોદીજીએ અાપણી વાત સાંભળી એથી વિશેષ શું હોઇ શકે. ખરેખર તો અમારે સી.બી.ભાઇને ધન્યવાદ અાપવા જોઇએ. મુંબઇ ઉતરીએ ત્યારે બે-ત્રણ કલાક બેસવું પડતું અને ત્યાં સિકયોરીટીવાળા હેન્ડલગેજ ફેંદી ખોટા હેરાન કરતા એમાંથી છૂટકારો મળ્યો.”
લેસ્ટરસ્થિત ૮૦ વર્ષનાં લીલાબહેન રામભાઇ પટેલ પહેલીવાર સીધાં અમદાવાદ જઇ રહ્યાં હતાં. એમણે કહ્યું કે, “અા ડાયરેક્ટ ફલાઇટ કરનારાનું ભગવાન ભલું કરજો.” વિમલભાઇ પટેલ એમનાં બે સંતાનો ૧૦ વર્ષનો નીલ અને ૮ વર્ષની બંસરી સાથે અમદાવાદ જઇ રહ્યા હતા. તેમણે પણ મુંબઇમાં ત્રણેક કલાકનું રોકાણ, સિકયોરિટીની કડાકૂટ અને ફરી હેન્ડલગેજ લઇ બસ દ્વારા દૂર પાર્ક કરેલા એરક્રાફટમાં જવાનું એ બધું હવે બંધ થઇ ગયું અને સીધા અમદાવાદ જતા રહેવાશે એવી ખુશી વ્યક્ત કરી. ૮૪ વર્ષનાં વસંતબેન બાબુભાઇ ખંભાયતા પણ અા ફલાઇટમાં ખુશખુશાલ સફર કરતાં ગયાં છે.