લંડનઃ લંડન શહેર યુરોપની ફોનની ચીલઝડપની રાજધાની બની રહ્યું છે. મેટ અને લંડન પોલીસે વર્ષ 2023માં મોબાઇલ ફોનની ચીલઝડપના 52,202 કેસ નોંધ્યા હતા જે સરવે કરાયેલા શહેરોમાં સૌથી વધુ હતા. બીજા સ્થાને સ્પેનનું મેડ્રિડ શહેર રહ્યું હતું.
મોબાઇલ ફોનની ચીલઝડપ કરતી ગેંગો પીડિતને ટાર્ગેટ કરવા માટે ઇ-બાઇકનો ઉપયોગ કરી રહી છે. ક્રાઉન કોર્ટોમાં મોબાઇલ ફોનની ચીલઝડપના સંખ્યાબંધ કેસ ચાલી રહ્યાં છે. પેરિસમાં મોબાઇલ ચીલઝડપના 38,784 કેસ નોંધાયા હતા.
2024ના પ્રારંભમાં ટાઇમ્સ અખબાર દ્વારા ઇંગ્લેન્ડ અને વેલ્સમાં વધી રહેલા અપરાધોનો અભ્યાસ કરાયો હતો. જેમાં 2023માં ઓછામાં ઓછા 84,933 મોબાઇલ ફોન ચોરાયાનો આંકડો સામે આવ્યો હતો. આ આંકડા 35 પોલીસ ફોર્સ પાસેથી પ્રાપ્ત કરાયાં હતાં.
મેટ્રોપોલિટન પોલીસ બ્રિટનનું સૌથી મોટું પોલીસ ફોર્સ છે. 2019થી 2023 વચ્ચે તેના તાબાના વિસ્તારમાંથી 1,65,933 મોબાઇલ ફોનની ચીલઝડપ કરાઇ હતી. વેસ્ટમિન્સ્ટર, વેસ્ટ એન્ડ થિયેટર્સ અને પ્રવાસન સ્થળો મોબાઇલ ફોન ચોરોના હોટ સ્પોટ ગણાય છે.
યુરોપમાં 2023માં મોબાઇલ ફોનની ચીલઝડપ
- લંડન – 52,202
- મેડ્રિડ – 48,341
- પેરિસ – 38,784
- બાર્સેલોના – 31,007
- વેલેન્સિયા – 23,045
- કોપનહેગન – 6,336
- ડબ્લિન – 3,988
- વિયેના – 3,859
- પ્રાગ – 3,753
- રેયકજાવિક – 216