લંડનઃ આખરે લિઝ ટ્રસ સરકારનું પતન થયું છે. બુધવારના નાટકીય ઘટનાક્રમ બાદ લિઝ ટ્રસને વડાંપ્રધાન પદેથી રાજીનામુ આપવાની ફરજ પડી છે. બુધવારે હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનના રાજીનામાએ ટોરી પાર્ટીમાં કટોકટી ઘેરી બનાવી હતી. ત્યારબાદ હાઉસ ઓફ કોમન્સની લોબીમાં ટોરી સાંસદો વચ્ચે બોલાચાલી અને ધક્કામુક્કીના અહેવાલોએ સ્થિતિ વધુ વણસાવી દીધી હતી. જેના પગલે લિઝ ટ્રસને 44 દિવસના અત્યંત ટૂંકા કાર્યકાળ બાદ 10 ડાઉનિંગ સ્ટ્રીટને અલવિદા કહેવાની ફરજ પડી હતી.
લિઝ ટ્રસે જણાવ્યું હતું કે, મેં મારા નિર્ણયની કિંગ ચાર્લ્સ ત્રીજાને જાણ કરી દીધી છે. હું અપેક્ષા પ્રમાણે ફરજ બજાવી શકી નથી. મારા અનુગામી સત્તા ન સંભાળે ત્યાં સુધી હું કાર્યકારી વડાંપ્રધાન તરીકે ફરજ બજાવતી રહીશ.
24 કલાક પહેલાં જ પોતે ફાઇટર હોવાના દાવા કરનારા લિઝ ટ્રસે જણાવ્યું હતું કે, ટોરી પાર્ટીના નવા નેતાની પસંદગી એક સપ્તાહમાં થઇ જશે. ટ્રસના રાજીનામાના પગલે હવે રિશી સુનાક, પેની મોરડૌન્ટ, સુએલા બ્રેવરમેન લીડરશિપની રેસમાં ઝંપલાવે તેવી સંભાવના છે.