લંડનઃ યુકેના વિવિધ શહેરો, નગરો અને લંડનમાં રવિવાર, ૧૨ એપ્રિલે આયોજિત BAPS ચેરિટિઝ એન્યુએલ ચેલેન્જમાં ૩૦૦૦થી વધુ લોકો સામેલ થયાં હતાં. આ ચેલેન્જ બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન અને રોસાના સમર્થનમાં યોજાઈ હતી. વિવિધ ઉદ્દાત હેતુસર ભંડોળ એકત્ર કરવાના આ વાર્ષિક કાર્યક્રમમાં વિવિધ વયના લોકો ૧૦ કિલોમીટરનું અંતર દોડવા, જોગિંગ કરવા અથવા ચાલવામાં જોડાયાં હતાં.
BAPS ચેરિટિઝ માટે આ વર્ષના સત્તાવાર પાર્ટનર દેશની હાર્ટ ચેરિટી અને કાર્ડિયોવાસ્કુલર રીસર્ચની સૌથી મોટી સ્વતંત્ર સંસ્થા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન હતી. આ ઉપરાંત, યુકેમાં સ્ત્રીઓ અને છોકરીઓને લાભ થાય તેવી પહેલો માટે સ્થાપિત ચેરિટેબલ ફંડ રોસા માટે પણ ભંડોળ એકત્ર કરવાનું હતું. અગાઉના પાર્ટનર્સમાં બર્નાર્ડો’ઝ, બ્રેસ્ટ કેન્સર કેર, ડાયાબીટીસ યુકે, એજ યુકે, KIDS, ધ એન્થોની નોલાન ટ્રસ્ટ, મેકમિલન કેન્સર સપોર્ટ તેમજ બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનનો સમાવેશ થયો હતો.
લંડનસ્થિત ભારતીય હાઈ કમિશનના ડેપ્યુટી હાઈ કમિશનર ડો. વિરેન્દર પોલ, બ્રેન્ટના મેયર કાઉન્સિલર કાના નહીરથાન, લોર્ડ પોપટ, લોર્ડ અહેમદ તથા વિવિધ સ્થાનિક કાઉન્સિલોની હાજરીમાં નીસડનના BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરથી કાર્યક્રમનો આરંભ કરાયો હતો. બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના કોમ્યુનિટી ફંડરેઈઝિંગના પ્રાદેશિક વડા સારાહ લેનોન, રોસાના એક્ઝીક્યુટિવ ડિરેક્ટર સામન્થા રેની પણ ઉપસ્થિત હતાં. ડો. વિરેન્દર પોલ, સારાહ લેનોન, સામન્થા રેની તથા BAPS ચેરિટીઝના ડો. મયંક શાહે પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતા.
આશરે ૨૦થી વધુ વર્ષ અગાઉ વાર્ષિક ચેલેન્જ કાર્યક્રમનો આરંભ થયો હતો. આ વર્ષે લોકો માટે પરંપરાગત ૧૦ કિ.મી.નું અંતર દોડ અથવા ચાલવા, લંડનથી બ્રાઈટન અથવા પેરિસ સુધી સાઈકલસવારી, સ્કાયડાઈવના વિકલ્પો રખાયા હતા.