લંડનઃ BAPS ચેરિટીઝ દ્વારા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન અને રોઝાના સમર્થનમાં શનિવાર, ૩૧ જાન્યુઆરીએ નીસડનના શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે વાર્ષિક ચેલેન્જને લોન્ચ કરવામાં આવી હતી. આ ચેલેન્જ એપ્રિલ મહિનામાં દરેક ભાગીદારને લંડન અને યુકેના તમામ શહેરોમાં ૧૦ કિલોમીટર દોડવા, ચાલવા અથવા જોગિંગ માટે તક પૂરી પાડશે.
BAPS ચેરિટીઝના આ વર્ષના પાર્ટનર દેશની હાર્ટ ચેરિટી અને કાર્ડિયોવાસ્ક્યુલર સંશોધનની સ્થાપક બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન (BHF) રહેવા ઉપરાંત, યુકેમાં સ્ત્રીઓ અને છોકરીઓ માટે લાભકારી પહેલોને સપોર્ટ કરવા સ્થપાયેલા ચેરિટેબલ ફંડ Rosa માટે નાણાભંડોળ એકત્ર કરવામાં આવશે. અગાઉના વર્ષોમાં વાર્ષિક ચેલેન્જના પાર્ટનર સંસ્થાઓમાં બર્નાર્ડોઝ, બ્રેસ્ટ કેન્સર કેર, ડાયાબીટીસ યુકે, એજ યુકે, કિડ્સ, ધ એન્થોની નોલાન ટ્રસ્ટ, મેકમિલન કેન્સર સપોર્ટ અને બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનનો સમાવેશ થયો હતો.
આ પ્રસંગે ૧૯૬૧માં સ્થાપિત બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના એસોસિયેટ ડિરેક્ટર ડો. માઈક નેપ્ટને કહ્યું હતું કે તેમની સંસ્થા યુકેની ૨૦ શાળાને કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન (CPR) ટ્રેનિંગ કિટ્સ પૂરી પાડશે. જેનાથી શાળાના હજારો બાળકો કૃત્રિમ શ્વાસોચ્છવાસથી જીવન બચાવતા શીખી શકશે.
સાતમી ફેબ્રુઆરીએ ભક્તો હૃદયરોગ સામે લડતને ટેકો આપી જાગૃતિ વધારવાના રાષ્ટ્રવ્યાપી ‘WEAR IT. BEAT IT’ અભિયાન માટે લાલ વસ્ત્રો પહેરી મંદિરમાં એકત્ર થયાં હતાં. સેંકડો ભક્તોએ બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનની મુલાકાત પણ લીધી હતી.