લંડનઃ BAPS સ્વામિનારાયણ સંસ્થા હિંદુઓમાં અંગદાન વિશે જાગૃતિ કેળવવાના પ્રોજેક્ટનું નેતૃત્વ સંભાળી રહી છે. આ પ્રોજેક્ટને NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ (NHSBT) દ્વારા આર્થિક સહાય પૂરી પડાય છે. તે અંગે BAPS સ્વામિનારાયણ મંદિર, લંડન (નીસડન મંદિર) ખાતે તા.૨૮-૧૦-૧૭ ને શનિવારે બપોરે ૧૨ વાગે કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.
અંગદાનથી કોઈનું જીવન બચાવી શકાય છે અથવા તેના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે. અંગદાન બે રીતે થઈ શકે છે. વ્યક્તિ જીવતા કરે તે લીવીંગ ડોનેશન અને બીજું મૃત્યુ પછીનું અંગદાન. કોન્ફરન્સમાં દર્દીઓ, પરિવારો, તબીબી નિષ્ણાતો, ટ્રાન્સપ્લાન્ટ ટીમો અને હિંદુ ધર્મના વડાઓએ ભાગ લીધો હતો અને વ્યવહારિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઈસ્કોનના નીલા માધવજીએ અંગ દાન કેવી રીતે દાનનું નિઃસ્વાર્થ રૂપ છે અને તેનાથી બીજી વ્યક્તિને જીવનની ભેટ મળે છે તે સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે હિંદુ શાસ્ત્રોમાં પણ તેને સંપૂર્ણ માન્યતા અપાઈ છે. BAPSના અગ્રણી સ્વયંસેવક દેવન પારેખે નિઃસ્વાર્થપણે અંગદાન કરવાની અપીલ સાથે જણાવ્યું હતું કે તમામ હિંદુઓએ લીવીંગ ઓર્ગન ડોનેશન વિશે વિચારવું જોઈએ.
કોન્ફરન્સમાં નોર્થવેસ્ટ લંડનના અને એશિયન ઈન્ડિયન વંશના સોથી વધુ લોકોએ ભાગ લીધો હતો. તેમનો પ્રતિભાવ હકારાત્મક હતો. ૮૪ ટકાએ જણાવ્યું હતું કે તેઓ કિડનીની જરૂર હોય તેવા પરિવારજન કે મિત્રને લીવીંગ ઓર્ગન ડોનેશનની શક્યતા વિશે પોતે વિચારશે. ૭૨ ટકાએ તેના વિશે વધુ માહિતી મેળવવાનું જણાવ્યું હતું.
BAPS સંસ્થા ૨૦૧૧થી એશિયનો અને હિંદુઓ અંગદાન માટે નોંધણી કરાવે તે માટે યુકેમાં અભિયાન ચલાવી રહી છે.